ચિન્ટુ, કોઈને પણ ઇન્ટરવ્યુ આપતો નહીં, ખાલી ફીલ્ડ પર જ ધ્યાન આપ

24 August, 2012 06:31 AM IST  | 

ચિન્ટુ, કોઈને પણ ઇન્ટરવ્યુ આપતો નહીં, ખાલી ફીલ્ડ પર જ ધ્યાન આપ

રશ્મિન શાહ

રાજકોટ, તા. ૨૪

ન્યુ ઝીલૅન્ડ સામે ગઈ કાલથી શરૂ થયેલી પહેલી ટેસ્ટમૅચમાં ચેતેશ્વર પુજારાએ સેન્ચુરી કરી એનાથી પણ વધુ ખુશી તેના પપ્પા અને કોચ અરવિંદભાઈને એ વાતની છે કે એકધારી ઈજાઓથી પીડાતા ચેતેશ્વરે સ્ટેબલ અને સ્ટેડી પર્ફોર્મન્સ આપ્યો. આ પર્ફોર્મન્સ પછી ગઈ કાલની મૅચ પૂરી થઈ ત્યારે પિતા-પુત્રને ફોન પર વાત થઈ. દીકરાને ચિન્ટુના હુલામણા નામે બોલાવતા અરવિંદભાઈએ પોતાની ટેલિફોનિક ટૉકમાં ચેતેશ્વરને કોઈ પણ પ્રકારના પ્રેસ કે મિડિયાને ઇન્ટરવ્યુ નહીં આપવાની સલાહ આપી હતી. અરવિંદભાઈએ કહ્યું હતું કે ‘મારી ઍડ્વાઇઝ છે કે અત્યારે તેણે ફીલ્ડ પર જ ધ્યાન આપવાનું હોય. ઇન્ટરવ્યુ આપવા કે મિડિયા સાથે ચૅટ કરવા માટે પછી સમય મળવાનો જ છે. હું ઇચ્છું છું કે ચેતેશ્વર કોઈ પણ હિસાબે કૉન્સન્ટ્રેશન ન તોડે.’

ચેતેશ્વર છેલ્લાં બે વર્ષથી

અલગ-અલગ ઈજાઓને કારણે ઘરે આરામ કરતો રહ્યો હતો. ઇન્જર્ડ હોવાને કારણે ચેતેશ્વરે અનેક સિરીઝ પણ છોડવી પડી હતી. ઈજાઓમાંથી બહાર આવ્યા પછી ચેતેશ્વરે ગ્રાઉન્ડમાં ઊતરવાનું આવ્યું એટલે દીકરા કરતાં પણ પપ્પા-કમ-કોચ એવા અરવિંદભાઈ વધુ ટેન્શનમાં હતા. અરવિંદભાઈ પુજારાએ કહ્યું હતું કે ‘ચેતેશ્વરે જ વીક પર્ફોર્મન્સ કર્યો હોત તો ફરી એક વાર તેણે બધા લેવલની ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હોત અને પોતાને પ્રૂવ કરવી પડી હોત. ગઈ કાલે મૅચ શરૂ થાય એ પહેલાં મારે વાત થઈ ત્યારે પણ મેં તેને એ જ સલાહ આપી હતી કે સ્ટેબલ અને સ્ટેડી પર્ફોર્મન્સ પર ધ્યાન આપજે. જો ક્રીઝ પર ટકી જઈશ તો રન આપોઆપ બનવાના છે.’

ચેતેશ્વરે પોતાની પહેલી સેન્ચુરી મમ્મી રીનાબહેન અને પપ્પા અરવિંદભાઈ પુજારાને સમર્પિત કરી છે. મમ્મી રીનાબહેન અત્યારે હયાત નથી. ગઈ કાલે સાંજે મૅચ પૂરી થયા પછી જ્યારે દીકરાને પપ્પા સાથે વાત થઈ ત્યારે શરૂઆતની થોડી ક્ષણો સુધી બેમાંથી કોઈ કશું બોલી નહોતા શક્યા. અરવિંદભાઈએ કહ્યું હતું કે ‘જ્યારે પણ ચિન્ટુનો પર્ફોર્મન્સ સારો હોય છે ત્યારે અમારી હાલત આવી હોય છે. અમને બન્નેને રીનાની યાદ આવે એ સ્વાભાવિક છે. આજે જ્યારે ચેતેશ્વરનું એક લેવલ બનતું જાય છે ત્યારે તેને મમ્મીની કમી મહેસૂસ થાય છે, જે મને દેખાઈ આવતું હોય છે.’

ગઈ કાલે ચેતેશ્વરની સેન્ચુરી પછી ચેતેશ્વરના કેટલાક ફ્રેન્ડ્સ તેના ઘરે ફટાકડા ફોડવા ગયા હતા, પણ અરવિંદભાઈએ તેમને ફટાકડા ફોડવાની ના પાડી હતી. રાહુલ દ્રવિડના સ્થાને રમવા આવેલા ચેતેશ્વરની સરખામણી વારંવાર દ્રવિડ સાથે થતી હોવાથી અરવિંદભાઈ મૂડલેસ થઈ ગયા હતા. અરવિંદભાઈએ ચોખવટ કરતાં કહ્યું હતું કે ‘બે-ત્રણ ટેસ્ટ રમેલા પ્લેયરને આવડા મોટા ગજાના પ્લેયર સાથે સરખાવવાથી તે અપસેટ થઈ શકે છે. બીજું, રાહુલ દ્રવિડ એક મહાન પ્લેયર છે, તેની જગ્યાએ કોઈ આવી ન શકે એટલે આવી સરખામણી અર્થહીન છે. ચિન્ટુએ હજી ઘણું પ્રૂવ કરવાનું છે.’