22 April, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમમાં થશે ધોનીનું કમબૅક?
ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની IPL મૅચ માટે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. ગઈ કાલે તે ટીમના અન્ય પ્લેયર્સ સાથે વાનખેડે સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ઇન્જરીને કારણે ચેન્નઈનો આ અનુભવી ખેલાડી ૬ મૅચમાં ચેન્નઈ માટે રમી શક્યો નથી. નવી સીઝનમાં તે વાનખેડે સ્ટેડિયમમાં કમબૅક કરશે એવી સંભાવના છે. તેણે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન વાનખેડેમાં વિકેટકીપિંગની પ્રૅક્ટિસ કરી હતી. ૬ મૅચમાં માત્ર બે મૅચ જીતનાર ઋતુરાજ ગાયકવાડ ઍન્ડ કંપનીને હાલમાં ધોનીના માર્ગદર્શનની સૌથી વધુ જરૂર છે. ધોની અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચ દરમ્યાન ચેન્નઈથી બહાર પહેલી વખત હૈદરાબાદમાં ટીમ સાથે ટ્રાવેલ કરતો જોવા મળ્યો હતો. જોકે તે કોઈ પણ મૅચ દરમ્યાન સ્ટેડિયમમાં કે ડ્રેસિંગ રૂમમાં આવ્યો નથી.
ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ફટકો પડ્યો છે, કારણ કે આયુષ મ્હાત્રે હૅમસ્ટ્રિંગની ઇન્જરીને કારણે IPL 2026ની બાકીની મૅચોમાંથી બહાર થઈ ગયો છે. ચેન્નઈની ટીમે પુષ્ટિ કરી છે કે ૧૮ વર્ષના આ ખેલાડીને સાજા થવા માટે છથી ૧૨ અઠવાડિયાં લાગશે એટલે કે તે ટુર્નામેન્ટમાં વધુ ભાગ લઈ શકશે નહીં. ૧૮ એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રન દોડતી વખતે તેને પગમાં દુખાવો ઊપડ્યો હતો. તેને બે વખત મેદાન પર તબીબી સહાયની જરૂર પડી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચ પહેલાં મુંબઈની ડોમેસ્ટિક ટીમનો આ ખેલાડી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. વર્તમાન સીઝનમાં જ્યારે પણ ચેન્નઈની ઓપનિંગ જોડી નબળી પડી હતી ત્યારે આયુષ મ્હાત્રેએ ત્રીજા ક્રમે રમીને ઇનિંગ્સને સંભાળી લીધી હતી. તે આ સીઝનમાં અત્યાર સુધી ટીમનો હાઇએસ્ટ રન-સ્કોરર હતો. તેણે ૬ મૅચમાં ૧૭૭.૮૭ના સ્ટ્રાઇક-રેટથી બે ફિફ્ટીની મદદથી ૨૦૧ રન કર્યા હતા. છેલ્લી સીઝનમાં ડેબ્યુ સમયે તેણે ૭ મૅચમાં ૧૮૮.૯૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને એક ફિફ્ટીના આધારે ૨૪૦ રન કર્યા હતા.
આૅસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન ઍલન બૉર્ડર ગઈ કાલે મુંબઈ આવી પહોંચ્યા હતા. સુનીલ ગાવસકરના આમંત્રણને પગલે તેઓ IPLની એક્સાઇટમેન્ટ માણવા આવ્યા છે. ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં તેઓ મુંબઈ અને ચેન્નઈની મૅચ માણશે. તસવીર : સતેજ શિંદે