બે ફ્રી હિટ ચેન્નઈ માટે બની ખર્ચાળ

18 October, 2012 05:20 AM IST  | 

બે ફ્રી હિટ ચેન્નઈ માટે બની ખર્ચાળ



કેપ ટાઉન: સાઉથ આફ્રિકાની હાઇવેલ્ડ લાયન્સ ટીમે મંગળવારે ચૅમ્પિયન્સ લીગમાં સતત બીજી જીત મેળવી હતી અને એ સાથે આઇપીએલની રનર્સ-અપ ચેન્નઈ સુપર કિંગ્સે લાગલગાટ બીજી હાર જોવી પડી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સે કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (૩૪ રન, ૨૬ બૉલ, બે સિક્સર, બે ફોર)ની થોડી આક્રમક ફટકાબાજીથી આપેલો ૧૫૯ રનનો ટાર્ગેટ હાઇવેલ્ડ લાયન્સ માટે પડકારરૂપ હતો અને છેલ્લી ૧૩ ઓવરમાં એણે ઓવર દીઠ ૧૦.૦૦ રન બનાવવાના હતા, પરંતુ એ ૧૩ ઓવરમાં જે બે નો-બૉલ પછીની ફ્રી હિટ મળી એમાં બનેલા રનથી બાજી આ યજમાન ટીમની તરફેણમાં આવી ગઈ હતી.

પ્રથમ ફ્રી હિટ ક્યારે?

આઠમી ઓવરને અંતે હાઇવેલ્ડ લાયન્સનો સ્કોર બે વિકેટે ફક્ત ૩૩ રન હતો અને જીતવા ૭૨ બૉલમાં ૧૨૬ રન બનાવવાના બાકી હતા. જોકે ઍલ્બી મૉર્કલની નવમી ઓવરના બીજા બૉલમાં ઓનપર ગુલામ બોડી (૬૪ રન, ૪૬ બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)એ સિક્સર ફટકારી હતી અને પછી પાંચમો બૉલ નો-બૉલ પડતાં હાઇવેલ્ડ લાયન્સને ફ્રી હિટ મળી હતી. એ ફ્રી હિટમાં બોડીએ સિક્સર ફટકારી દીધી હતી અને હાઇવેલ્ડ લાયન્સની મંદ ઇનિંગ્સમાં રોમાંચની શરૂઆત થઈ ગઈ હતી. મૉર્કલની એ ઓવરમાં ૧૭ રન બન્યા હતા.

બીજી ફ્રી હિટ ક્યારે?

૧૬મી ઓવરના અંત સુધીમાં હાઇવેલ્ડ લાયન્સની ઇનિંગ્સ ફરી ધીમી પડી ગઈ હતી અને એને એક્સાઇટિંગ બનાવે એવી એક તકની એને જરૂર હતી જે રવિચન્દ્રન અશ્વિનની ૧૭મી ઓવરમાં મળી ગઈ હતી. એ ઓવરની શરૂઆત વખતે હાઇવેલ્ડ લાયન્સે ૨૪ બૉલમાં ૪૫ રન બનાવવાના બાકી હતા. બીજા બૉલમાં નીલ મૅકેન્ઝી (૩૨ રન, ૩૪ બૉલ, ૪ ફોર)નો સુરેશ રૈનાએ લૉન્ગ-ઑન પર સુપર્બ રનિંગ કૅચ પકડ્યો હતો, પરંતુ ચોથો બૉલ નો-બૉલ હતો અને પછીની ફ્રી હિટમાં જીન સાયમ્સે (૩૯ નૉટઆઉટ, ૨૩ બૉલ, પાંચ ફોર) પોતાની પ્રથમ ફોર ફટકારીને બાજી હાઇવેલ્ડ લાયન્સના હાથમાં લાવી દીધી હતી. અશ્વિનની એ ઓવરમાં ૧૫ રન બન્યા હતા.

ત્યાર પછીની ૧૮મી ઓવરમાં ૧૦ રન, ૧૯મી ઓવરમાં ૧૧ રન અને ૨૦મી ઓવરના પ્રથમ ત્રણ બૉલમાં છેલ્લા ૯ રન બન્યા હતા અને હાઇવેલ્ડ લાયન્સો ૬ વિકેટે શાનદાર વિજય થયો હતો. સાયમ્સ સાથે ક્રિસ મૉરિસ (અણનમ ૧૨, ૭ બૉલ, એક સિક્સર) પણ નૉટઆઉટ રહ્યો હતો.

ફૅન્ગિસો મૅન ઑફ ધ મૅચ

રવિવારે સચિન તેન્ડુલકરને આઉટ કર્યા બાદ આખી રાત એ વિકેટ તેમ જ મુંબઈ ઇન્ડિયન્સ સામેની જીત સેલિબ્રેટ કરનાર લેફ્ટી સ્પિનર ઍરોન ફૅન્ગિસો મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. તેણે ક્રિસ મૉરિસના બૉલમાં ચેન્નઈના ઓપનર ફૅફ ડુ પ્લેસી (પચીસ રન, ૨૦ બૉલ, એક સિક્સર, બે ફોર)નો અફલાતૂન કૅચ પકડ્યો હતો તેમ જ મુરલી વિજય (બાવીસ રન, પચીસ બૉલ, એક સિક્સર, બે ફોર) તથા રવીન્દ્ર જાડેજા (૨૧ રન, ૧૬ બૉલ, એક સિક્સર, બે ફોર)ની વિકેટ લીધી હતી. ખાસ તો ફૅન્ગિસોની બોલિંગ-ઍનૅલિસિસ (૪-૦-૧૭-૨) બધા બોલરોમાં સૌથી સારી હતી.

આજે ને આવતી કાલે કઈ મૅચ?

આજે

સિડની સિક્સર્સ V/S હાઇવેલ્ડ લાયન્સ

કેપ ટાઉન, સાંજે ૫.૦૦

મુંબઈ ઇન્ડિયન્સ V/S યૉર્કશર

કેપ ટાઉન, રાત્રે ૯.૦૦

આવતી કાલે

દિલ્હી ડેરડેવિલ્સ V/S ઑકલૅન્ડ ઍસીસ

ડર્બન, રાત્રે ૯.૦૦

નોંધ : બન્ને ગ્રુપની ટોચની બે-બે ટીમ સેમી ફાઇનલમાં પહોંચશે.