ચરોતર રૂખીના સ્પિનરે દસેદસ વિકેટ લીધી

06 December, 2012 07:35 AM IST  | 

ચરોતર રૂખીના સ્પિનરે દસેદસ વિકેટ લીધી




સોલંકીએ પુરષોત્તમ શીલ્ડ ટુર્નામેન્ટમાં મુસ્લિમ યુનાઇટેડ નામની ટીમ વતી રમીને અપોલો ક્રિકેટ ક્લબની દસેદસ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.

સોલંકીની ઇનિંગ્સમાં ૧૦ વિકેટ પુરષોત્તમ શીલ્ડનો નવો વિક્રમ છે. તેણે ૧૦માંથી બે પ્લેયરોને ક્લીન બોલ્ડ કર્યા હતા, ચાર ખેલાડીને કૅચઆઉટ કરાવ્યા હતા અને બાકીના ચારને એલબીડબ્લ્યુનો શિકાર બનાવ્યા હતા.

મુસ્લિમ યુનાઇટેડની ટીમ ૨૨૩ રનમાં ઑલઆઉટ થયા પછી અપોલો ક્રિકેટ ક્લબ સોલંકીની ૧૦ વિકેટને કારણે માત્ર ૧૬૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. તેની બોલિંગ-ઍનૅલિસિસ ૨૫.૩-૫-૭૯-૧૦ હતી.

સોલંકીએ ગઈ કાલે ‘મિડ-ડે’ને પોતાની સિદ્ધિ વિશે વાત કરતા કહ્યું હતું કે ‘હું નાનપણથી કુંબલેનો ફૅન છું. તેના જેવી સ્ટાઇલથી બોલિંગ કરવાનો પ્રયત્ન કરું છું. કુંબલેએ ૧૪ વર્ષ પહેલાં દિલ્હીમાં પાકિસ્તાન સામેની એક ટેસ્ટની ઇનિંગ્સમાં તમામ ૧૦ વિકેટ લીધી હતી એવી સિદ્ધિ મેળવવાની ઝંખના મને વષોર્થી હતી જે મેં આ મૅચમાં પૂરી કરી છે.’

સોલંકીએ આ પહેલાં ગુજરાતમાં એક મૅચની ઇનિંગ્સમાં આઠ વિકેટ લીધી હતી અને એ તેનો બેસ્ટ પફોર્ર્મન્સ હતો.

મુલુંડ (ઈસ્ટ)માં રહેતો સોલંકી મૂળ આણંદ જિલ્લાના બેડવા ગામનો છે. તે એક ટ્રાવેલ કંપનીમાં નોકરી કરે છે.

ગઈ કાલે લીધી ૭ વિકેટ

ભરત સોલંકીએ રવિવારે આઝાદ મેદાન પર એક ઇનિંગ્સમાં ૧૦ વિકેટ લીધી ત્યાર બાદ ગઈ કાલે ઓવલ મેદાન પરની ટાઇમ્સ શીલ્ડ ટુર્નામેન્ટની ‘બી’ ડિવિઝનની ત્રણ દિવસની મૅચની ઇનિંગ્સમાં ૧૩૦ રનમાં ૭ વિકેટ લીધી હતી. અકબર ટ્રાવેલ્સ વતી રમીને કસ્ટમ્સની ટીમ સામે તેણે આ પફોર્ર્મ કર્યું હતું. આ ઇનિંગ્સમાં તેની બોલિંગ-ઍનૅલિસિસ ૪૨.૩-૧૦-૧૩૦-૭ હતી. જોકે તેની ૭ વિકેટ છતાં કસ્ટમ્સની ટીમ ૧૫૨ રનની લીડ લેવામાં સફળ થયું હતું.

એલબીડબ્લ્યુ = લેગ બિફોર વિકેટ