ઈયાન ચૅપલ અને માર્ક ટેલર કહે છે કે શો મસ્ટ ગો ઑન

29 November, 2014 04:31 AM IST  | 

ઈયાન ચૅપલ અને માર્ક ટેલર કહે છે કે શો મસ્ટ ગો ઑન


ફિલ હ્યુઝના અવસાન બાદ ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટ પર  અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાવા લાગ્યાં છે. બ્રિસ્બેનમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ડિસેમ્બરે પહેલી ટેસ્ટ રમાશે. સંભવ છે કે પહેલી ટેસ્ટ-મૅચને પોસ્ટપોન કરવામાં આવે અથવા રદ કરવામાં આવે. કેટલાક ભૂતપૂર્વ મહાન ખેલાડીઓનું મંતવ્ય છે કે આ પરિસ્થિતિમાં મૅચ ન રમવામાં આવે, કારણ કે ખેલાડીઓ હાલમાં મૅચ રમવાની મન:સ્થિતિમાં નહીં હોય. જોકે કેટલાક ખેલાડીઓ પૂર્વનિયોજિત કાર્યક્રમ પ્રમાણે મૅચ રમવાની વકીલાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે મૅચ રમવી એ જ માનસિક આઘાતનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે.

પીડા દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય

ભૂતપૂર્વ  ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માર્ક ટેલરે કહ્યું હતું કે ‘ખેલાડીઓ માટે આ નુકસાનથી બહાર આવવું મુશ્કેલ છે, પરંતુ કદાચ ક્રિકેટ જ આ દુખને દૂર કરવાની શ્રેષ્ઠ દવા છે. આપણે તે ખેલાડીઓ સાથે વાતચીત કરવી જોઈએ જે મંગળવારની મૅચ રમી રહ્યા હતા. આ સમય તેમને માટે ઘણો મુશ્કેલ હશે. જો ટેસ્ટ-મૅચ રમાય તો એ સૌથી શ્રેષ્ઠ બાબત હશે, કારણ કે એથી ખેલાડીઓ ફિલિપના મૃત્યુના શોકમાંથી ઊગરી શકશે.’

કૅન્સલ ન કરો મૅચ : ઈયાન ચૅપલ

ટેલરના સૂરમાં સૂર મેળવતાં ભૂતપૂર્વ કૅપ્ટન ઈયાન ચૅપલે જણાવ્યું હતું કે ‘ફરી એક વાર રમત તરફ જવું એ આ નુકસાનની ભરપાઈ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ અજુગતું લાગે છે, પરંતુ મને લાગે છે કે ખેલાડીઓ માટે એ જ સર્વશ્રેષ્ઠ હશે કે તેઓ પહેલી ટેસ્ટમાં રમે. જોકે આ માટે તેમણે નેટ પર ઊતરવું પડશે, પરંતુ જ્યારે તેઓ અભ્યાસ કરતા હશે કે મેદાન પર મૅચ રમી રહ્યા હશે ત્યારે ઓછામાં ઓછું તો તેઓ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરતા હશે. ખેલાડીઓ જ્યારે મેદાનની બહાર હશે, પછી ભલે હોટેલમાં કે અન્ય ડ્રેસિંગ રૂમમાં તેઓ હંમેશાં એક જ વિચાર કરતા હશે એ છે ફિલિપ હ્યુઝ. જોકે કોઈ ખેલાડીને આ મૅચ ન રમવી હોય તો ક્રિકેટ બોર્ડે તેને નામ પાછું ખેંચી લેવાની છૂટ આપવી જોઈએ. ઑસ્ટ્રેલિયાના હાલના બધા ખેલાડીઓ હ્યુઝ સાથે રમી ચૂક્યા છે.’

હ્યુઝની બહેન મળી ઍબોટને

ગુરુવારે સેન્ટ વિન્સેન્ટ હૉસ્પિટલમાં ફિલિપ હ્યુઝની બહેન મેગન અને ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન માઇકલ ક્લાકેર્ સીન ઍબોટને મળીને તેને હિંમત આપી હતી.

૬૩ બૅટ મૂકીને શ્રદ્ધાંજલિ 

ફિલિપને જ્યારે ઈજા થઈ ત્યારે તે ૬૩ રન બનાવીને રમી રહ્યો હતો. હવે તેને આ નંબર સાથે યાદ કરવામાં આવી રહ્યો છે. મેલબર્નમાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના મુખ્યાલયની બારીઓ પર એક લાઇનમાં ૬૩ બૅટો મૂકવામાં આવી છે. આ દરેક બૅટ પર ફિલિપને શ્રદ્ધાંજલિ આપનારાઓની સહીઓ છે.

૬૩ સેકન્ડનું મૌન

ઑસ્ટ્રેલિયામાં તમામ કલબોની મૅચો દરમ્યાન હ્યુઝની યાદ માટે ૬૩ સેકન્ડનું મૌન  રાખવામાં આવી રહ્યું છે અને પિચો પર ૬૩નો આંકડો લખેલો છે. સામાન્ય ઑસ્ટ્રેલિયન નાગરિક પોતાનાં ઘરો અને દરવાજાની બહાર બૅટ મૂકીને હ્યુઝને યાદ કરી રહ્યા છે. હ્યુઝનું ગામ મૅક્સવિલે પણ પોતાના સ્ટારના મોતના દુખમાં ડૂબેલું છે.

હેલ્મેટની ડિઝાઈન : સમીક્ષા થશે

મૅચ દરમ્યાન માથામાં બૉલ વાગવાથી ફિલિપ હ્યુઝના મૃત્યુ બાદ હવે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ સુરક્ષા સ્ટાન્ડર્ડ્સની તાત્કાલિક સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના પ્રમુખ જેમ્સ સધરલૅન્ડે જણાવ્યું હતું કે હેલ્મેટની ડિઝાઇનને લઈને એના નિર્માતાઓ અને એની ખરીદી કરનારા સાથે મળીને કામ કરીશું.

કોલંબોમાં વન-ડે યોજાશે

ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ફિલિપ હ્યુઝના મૃત્યુ છતાં આજે શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ એના પૂર્વ નિર્ધારિત શેડ્યુલ પ્રમાણે જ રમાશે. પ્રથમ વન-ડે મૅચ શ્રીલંકાએ બુધવારે ૨૫ રને જીતી હતી. જોકે આજે રમતની શરૂઆતમાં બન્ને ટીમના ખેલાડીઓ શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળશે અને મૅચ દરમ્યાન હાથ પર કાળી પટ્ટી પહેરશે.

શું કહે છે ગાવસકર?

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકરનું માનવું છે કે ‘બન્ને દેશોનાં ક્રિકેટ બોર્ડે‍ નક્કી કરવું જોઈએ કે મૅચ રદ કરવી કે નહીં? હ્યુઝના મૃત્યુ બાદ બન્ને ટીમોના ખેલાડીઓ મૅચ રમવાની મન:સ્થિતિમાં નહીં હોય. પહેલી ટેસ્ટ શરૂ થવાને હજી એક અઠવાડિયું બાકી છે, પરંતુ મને ખાતરી છે કે કોઈ મૅચ રમવાના મૂડમાં નહીં હોય.’