સાઇનાને બદલે સાનિયા ને યોગેશ્વરને બદલે યોગેન્દ્ર

17 August, 2012 09:17 AM IST  | 

સાઇનાને બદલે સાનિયા ને યોગેશ્વરને બદલે યોગેન્દ્ર

 

 

 

નવી દિલ્હી: લંડનથી સિલ્વર અને બ્રૉન્ઝ સહિત કુલ છ મેડલો જીતી લાવેલાં ઑલિમ્પિયનોના સન્માન માટે ગઈ કાલે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ દિલ્હીના મેજર ધ્યાન ચંદ નૅશનલ સ્ટેડિયમમાં જે સમારંભ યોજ્યો હતો એમાં ગેરવ્યવસ્થાને કારણે ધમાલ મચી ગઈ હતી. સેંકડો લોકોએ વિજેતાઓને નજીકથી જોવા સ્ટેજ પાસે આવવાનો પ્રયત્ન કયોર્ હતો જેમાં નાસભાગ મચી હતી. ઘણા ઍથ્લીટોએ સ્તબ્ધ હાલતમાં સમારંભમાંથી વિદાય લીધી હતી.

 

સમારંભના હોસ્ટે સ્વાગત-પ્રવચનમાં ગરબડ કરી હતી. ઑલિમ્પિયનોના નામ બોલતી વખતે તેમણે બ્રૉન્ઝમેડલ જીતનાર બૅડમિન્ટનસ્ટાર સાઇના નેહવાલને બદલે સાનિયા મિર્ઝાનું નામ લીધું હતું. તેઓ કાંસ્યપદક જીતનાર કુસ્તીબાજ યોગેશ્વર દત્તને બદલે યોગેન્દ્ર બોલી ગયા હતા. મેડલ ન જીતી શકનાર શૂટર જૉયદીપ કર્માકરને તેમણે તીરંદાજ તરીકે ઓળખાવ્યા હતા. આ બધી ભૂલોને કારણે આયોજકો શરમમાં મૂકાઈ ગયા હતા.

 

વિજેન્દર વહેલો જતો રહ્યો

 

સમારંભમાં આવેલો બૉક્સર વિજેન્દર સિંહ વહેલો સમારંભમાંથી જતો રહ્યો હતો અને રવિ કુમાર નામનો વેઇટલિફ્ટર પણ ધમાલ શરૂ થયા પછી જતો રહ્યો હતો.

 

મિડિયા સાથે પોલીસની ઉદ્ધતાઈ

 

આ સમારંભ કવર કરવા આવેલા પત્રકારો અને ફોટોગ્રાફરોએ પોતાના માટે અલગ જગ્યા ફાળવવાની વિનંતી કરી ત્યારે પોલીસો તેમના પર ગુસ્સે થયા હતા. એક મહિલા પોલીસે પત્રકારોને કહ્યું હતું કે ‘તમે મિડિયામેન છો તો શું થયું? તમને શું માથે બેસાડીએ? જોતા નથી કેવી ગેરવ્યવસ્થા સર્જાઈ છે?’

 

મેડલ વિનાના ઍથ્લીટોને પણ લાખો રૂપિયાનાં ઇનામ

 

હરિયાણા સરકારે પોતાના રાજ્યના ચાર મેડલવિજેતા ઑલિમ્પિયનો માટે ઇનામ તરીકે કુલ ૪.૫ કરોડ રૂપિયા તૈયાર રાખ્યા છે, પરંતુ બીજા બે કરોડ રૂપિયા મેડલ ન જીતી લાવેલાને આપવાનું પણ નક્કી કર્યું છે. આ માટેનો સમારંભ ૨૬ ઑગસ્ટે સોનીપત જિલ્લામાં યોજાશે.

 

હરિયાણાના સિલ્વર-મેડલિસ્ટ કુસ્તીબાજ સુશીલ કુમારને દોઢ કરોડ રૂપિયા તેમ જ બૅડમિન્ટનસ્ટાર સાઇના નેહવાલ, શૂટર ગગન નારંગ અને રેસલર યોગેશ્વર દત્તને એક-એક કરોડ રૂપિયા આપવામાં આવશે. ડિસ્ક થ્રોની ફાઇનલ સુધી પહોંચનાર ક્રિષ્ના પુનીઆ હરિયાણાની નથી છતાં તેને ૩૧ લાખ રૂપિયા આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. એ જ પ્રમાણે ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ ગીતા ફોગાટને ૨૧ લાખ રૂપિયા મળશે, જ્યારે બૉક્સરો વિજેન્દર કુમાર તતા રેસલર અમિત કુમારને ૨૧-૨૧ લાખ રૂપિયા આપવામાં આવશે. ઑલિમ્પિક્સમાં બીજા રાજ્યોમાંથી ભાગ લેનાર ૧૦ ઍથ્લીટોમાં પ્રત્યેકને હરિયાણા સરકાર ૧૧-૧૧ લાખ રૂપિયા આપશે.

 

એકલી મૅરી કૉમને ૧૧ લાખ રૂપિયા અને ૭ બૉક્સરો વચ્ચે ૧૦ લાખ

 

મેડલ જીતીને ભારત પાછા આવેલાં ઑલિમ્પિયનોના સન્માન માટે અને ઇનામ એનાયત કરવા માટેના સમારંભો લગભગ દરરોજ યોજાય છે. ગઈ કાલે દિલ્હીમાં આવા એક ફંક્શનમાં ભારતીય બૉક્સરોના સ્પૉન્સર મોનેટ ગ્રુપે ઑલિમ્પિક્સની પ્રથમ બ્રૉન્ઝ-મેડલિસ્ટ મહિલા બૉક્સર મૅરી કૉમને ૧૧ લાખ રૂપિયાનું ઇનામ આપ્યું હતું. સાત પુરુષ બૉક્સરોમાંથી ભારતના ખાતે એક પણ મેડલ નહોતો આવ્યો. જોકે સ્પૉન્સરે સાતેય વચ્ચે કુલ ૧૦ લાખ રૂપિયાનું ઇનામ આપ્યું હતું. સાતમાંથી એકમાત્ર વિકાસ ક્રિષ્નન સમારંભમાં નહોતો આવ્યો. બીજા છ બૉક્સરોમાં વિજેન્દર સિંહ, મનોજ કુમાર, જય ભગવાન, શિવા થાપા, લૈશરામ દૈવેન્દ્રો સિંહ અને સુમીત સાંગવાનનો સમાવેશ હતો.