વેસ્ટ ઇન્ડીઝનું પહેલા જ દિવસે બે લેફ્ટી સેન્ચુરિયનોની મદદથી વર્ચસ

14 November, 2012 05:16 AM IST  | 

વેસ્ટ ઇન્ડીઝનું પહેલા જ દિવસે બે લેફ્ટી સેન્ચુરિયનોની મદદથી વર્ચસ



મીરપુર: વેસ્ટ ઇન્ડીઝની ટીમના યંગેસ્ટ લેફ્ટી બૅટ્સમૅન કીઅરન પોવેલ (૧૧૭ રન, ૧૭૮ બૉલ, ૧ સિક્સર, અઢાર ફોર) અને ઓલ્ડેસ્ટ લેફ્ટી પ્લેયર શિવનારાયણ ચંદરપૉલે (૧૨૩ નૉટઆઉટ, ૧૯૫ બૉલ, સત્તર ફોર) ગઈ કાલે બંગલા દેશ સામેની પ્રથમ ટેસ્ટમૅચના પ્રારંભિક દિવસે પોતાની ટીમને પ્રભુત્વ અપાવ્યું હતું. રમતને અંતે વેસ્ટ ઇન્ડીઝના ચાર વિકેટે ૩૬૧ રન હતા.

બંગલા દેશની ટીમ આ વર્ષે પહેલી જ વાર ટેસ્ટમૅચ રમી રહી છે અને એમાં એણે નિરાશાજનક શરૂઆત કરી હતી. બૅટિંગ પિચ પર લંચ પહેલાંની આખરી ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝે માર્લન સૅમ્યુલ્સ (૧૬ રન)ની ત્રીજી વિકેટ ગુમાવતાં બંગલા દેશ કૅરિબિયનો સામે જડબાતોડ જવાબ આપવાની સ્થિતિમાં હતું, પરંતુ લંચ પછી પોવેલ-ચંદરપૉલ વચ્ચેની ૧૨૫ રનની ભાગીદારી તેમને ભારે પડી ગઈ હતી. બન્ને બૅટ્સમેનોએ ભાગીદારીની શરૂઆતમાં થોડી ઓવરો હેમખેમ કાઢી હતી. પહેલી સાત ઓવરમાં એકેય ફોર નહોતી ગઈ, પરંતુ પછીથી તેમણે ક્રીઝ પર ટકી રહેવાના સંકલ્પ સાથે રનમશીન પણ ચાલુ રાખ્યું હતું.

ક્રિસ ગેઇલ (૨૪ રન, ૧૭ બૉલ, બે સિક્સર, બે ફોર) શરૂઆતમાં આક્રમક બૅટિંગ કર્યા બાદ આઉટ થઈ ગયો હતો.

ચંદરપૉલ થયો સોબર્સની બરાબરીમાં

ચંદરપૉલે ગઈ કાલે ૨૬મી ટેસ્ટસદી ફટકારી હતી. સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર કૅરિબિયનોમાં તે હવે બીજા નંબરે ગૅરી સોબર્સની બરાબરીમાં થઈ ગયો છે. વેસ્ટ ઇન્ડિયનોમાં બ્રાયન લારાની સૌથી વધુ ૩૪ સદી છે.

રામદીનની અણનમ હાફ સેન્ચુરી

ગઈ કાલે ચંદરપૉલ સાથે વિકેટકીપર ડેનિશ રામદીન બાવન રને નૉટઆઉટ હતો.

નવા બોલર સોહાગ ગાઝીની ત્રણ વિકેટ

પહેલી જ ટેસ્ટમૅચ રમી રહેલા બંગલા દેશના ૨૧ વર્ષના ઑફ સ્પિનર સોહાગ ગાઝીએ ગેઇલ તેમ જ ડૅરેન બ્રાવો (૧૪ રન) અને પોવેલની વિકેટ લીધી હતી. ચોથી વિકેટ પેસબોલર શહાદત હુસેનને મળી હતી. એ સિવાય શાકીબ-અલ-હસન સહિતના પાંચ બોલરોને વિકેટ નહોતી મળી.