07 March, 2025 06:53 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ શમી
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે આઠ વિકેટ લેનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વન-ડે બોલિંગમાં ત્રણ સ્થાનના ફાયદા સાથે ૧૧મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેણે બોલિંગ કરતી વખતે લાળનો ઉપયોગ પાછો લાવવાની હિમાયત કરી છે. શમી કહે છે, ‘અમે રિવર્સ સ્વિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ રમતમાં લાળનો ઉપયોગ થઈ રહ્યો નથી. અમે સતત લાળના ઉપયોગની મંજૂરી આપવા વિનંતી કરી રહ્યા છીએ અને રિવર્સ સ્વિંગ સાથે એ રસપ્રદ રહેશે. હું મારો લય પાછો મેળવવા અને ટીમમાં વધુ યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું લાંબા સ્પેલ ફેંકવા માટે તૈયાર છું.’
કોવિડ-19 મહામારીને કારણે ICC દ્વારા ક્રિકેટમાં લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બૉલ રિવર્સ સ્વિંગ થાય એ માટે બૉલની એક બાજુ ખૂબ જ ચમકતી અને બીજી ખરબચડી હોવી જોઈએ જેના કારણે એક બાજુ ભારે હોવાથી બૉલ હવાના પ્રવાહની વિરુદ્ધ સ્વિંગ કરે છે.