11 March, 2025 12:28 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
દુબઈની પિચ પર બેસીને ટ્રોફી સાથે યાદગાર ફોટોશૂટ કરાવ્યું રોહિત શર્માએ.
તમામ ICC ઇવેન્ટની ફાઇનલ મૅચ રમનાર કૅપ્ટન રોહિત શર્માએ વધુ એક વર્લ્ડ રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. ૭૬ રનની અસરદાર ઇનિંગ્સ રમીને તે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે. તે ICC ઇવેન્ટની ફાઇનલમાં આ અવૉર્ડ જીતનાર ઓવરઑલ ચોથો કૅપ્ટન છે, પણ ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આ સિદ્ધિ મેળવનાર તે પહેલવહેલો કૅપ્ટન બન્યો છે. ૨૦૨૪ના T20 વર્લ્ડ કપથી લઈને ૨૦૨૫ની ચૅમ્પિયન્સ ટ્રોફી સુધી સળંગ ૧૩ મૅચ જીતીને તેણે મહેન્દ્ર સિંહ ધોનીના સળંગ ૧૨ મૅચ જીતવાના રેકૉર્ડને પણ તોડ્યો છે.
ચૅમ્પિયન બન્યા બાદ રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ નિવૃત્તિ નહીં લેવાની વાત કહી, અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી હતી; જ્યારે વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું કે અમારું કામ ફક્ત ICC ટ્રોફી જીતવાનું નથી, પરંતુ જ્યારે અમે રમતમાંથી નિવૃત્તિ લઈએ ત્યારે ભારતીય ક્રિકેટ વધુ સારી સ્થિતિમાં હોય એ સુનિશ્ચિત કરવાનું પણ છે.
ICC ઇવેન્ટમાં ભારત માટે સળંગ સૌથી વધુ મૅચ જીતનાર કૅપ્ટન
રોહિત શર્મા - ૧૩ જીત (૨૦૨૪-’૨૫)
મહેન્દ્ર સિંહ ધોની - ૧૨ જીત (૨૦૧૨-’૧૪)
રોહિત શર્મા - ૧૦ જીત (૨૦૨૩)
સૌરવ ગાંગુલી - ૮ જીત (૨૦૦૩)
મહેન્દ્ર સિંહ ધોની - ૭ જીત (૨૦૧૫)