10 February, 2025 08:48 AM IST | Cape Town | Gujarati Mid-day Correspondent
કૉર્બિન બૉશ અને ક્વેના મ્ફાકા.
ગઈ કાલે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે મહત્ત્વની જાહેરાત કરી હતી. જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકન ટીમનો અનુભવી ફાસ્ટ બોલર ઍન્રિક નૉર્ખિયા ઇન્જરીને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માંથી બહાર થયો છે. અગાઉ પીઠમાં સ્ટ્રેસ ફ્રૅક્ચરને કારણે તે ભારતમાં ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો. હવે આ બાવીસ વન-ડેના અનુભવ ધરાવતા ફાસ્ટ બોલરના રિપ્લેસમેન્ટ તરીકે સ્ક્વૉડમાં ૩૦ વર્ષના ઑલરાઉન્ડર કૉર્બિન બૉશને સ્થાન આપવામાં આવ્યું છે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડિસેમ્બર ૨૦૨૪માં ડેબ્યુ કરતાં કૉર્બિને પાકિસ્તાન વિરુદ્ધ વન-ડે મૅચમાં ૪૦ રન કરીને એક વિકેટ ઝડપી હતી. માત્ર એક વન-ડે મૅચના અનુભવ સાથે તેને મોટી ટુર્નામેન્ટ પહેલાં સાઉથ આફ્રિકન સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. ૧૮ વર્ષનો ફાસ્ટ બોલર ક્વેના મ્ફાકાને પણ રિઝર્વ પ્લેયર્સ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. તેઓ ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલાં પાકિસ્તાનમાં આયોજિત ત્રિકોણીય સિરીઝ દરમ્યાન ટીમ સાથે જોડાશે.