૭૦ ડોટ બૉલને કારણે મુંબઈનો દાટ વળી ગયો

24 October, 2012 05:13 AM IST  | 

૭૦ ડોટ બૉલને કારણે મુંબઈનો દાટ વળી ગયો



ડર્બન: ચૅમ્પિયન્સ લીગની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સોમવારે છેલ્લી લીગ મૅચ જીતવામાં પણ નિષ્ફળ રહ્યું એટલે તેણે ઘણા દિવસોથી મનમાં દબાવી રાખેલો ગુસ્સો બહાર કાઢ્યો હતો. તેણે બન્ને ઓપનરો સચિન તેન્ડુલકર અને ડ્વેઇન સ્મિથ તેમ જ વનડાઉન બૅટ્સમૅન રોહિત શર્માનું નામ લીધા વગર આકરા શબ્દોમાં તેમની ટીકા કરતા કહ્યું હતું કે ‘અમે દરેક મૅચમાં શરૂઆતની ઓવરોમાં બહુ ધીમું રમ્યા એટલે જ આ હાલત જોવી પડી. કોઈનામાં જવાબદારી જેવું કાંઈ હતું જ નહીં. ચોખ્ખા શબ્દોમાં કહું તો પ્રત્યેક મૅચમાં પહેલી છ ઓવરમાં ટીમને સારું સ્ટાર્ટ નહોતું મળ્યું એનું આ પરિણામ છે.’

સિડની સિક્સર્સના બોલરોમાં જોશ હૅઝલવુડ, મિચલ સ્ટાર્ક, પૅટ ક્યુમિન્સ, મોઇઝેઝ હેન્રિકેઝ, સ્ટીવ ઓકીફ અને નૅથન મૅક્લમનો સમાવેશ હતો.

મુંબઈ ઇન્ડિયન્સના બૅટ્સમેનો જે ૨૦ ઓવર એટલે ૧૨૦ બૉલ રમ્યા હતા એમાંથી ૭૦ ડોટ બૉલ (૬૦ ટકા) હતા. એમાં ડ્વેઇન સ્મિથના સૌથી વધુ ૧૭ અને સચિન-રોહિતના ૧૫-૧૫ ડોટ બૉલનો સમાવેશ હતો. હરભજને મૅચ પછી આટલા બધા ડોટ બૉલને કારણે મુંબઈ ઇન્ડિયન્સે હાર જોવી પડી એવી કમેન્ટ કરતા કહ્યું હતું કે ‘આટલી મોટી સંખ્યામાં ડોટ બૉલ હોવાથી અમારો રનરેટ નીચો રહ્યો હતો. T20માં તો દરેક બૉલમાં રન બનાવવાનો પ્રયત્ન થવો જોઈએ. ડોટ બૉલ વધતા જાય એમ પછીના ક્રમે રમવા આવતાં બૅટ્સમેનો પર પ્રેશર વધતું જાય છે.’

વૉટ્સન નહોતો છતાં મુંબઈ હાર્યું

ઑલરાઉન્ડર શેન વૉટ્સન સિડની સિક્સર્સને પહેલી ત્રણેય લીગ મૅચ જિતાડીને પોતાના ક્રિકેટ બોર્ડના આદેશથી સ્વદેશ પાછો જતો રહ્યો છે અને સોમવારે તે સિડની સિક્સર્સની ટીમમાં નહોતો અને આ ટીમની બોલિંગ તથા ફીલ્ડિંગ જોઈએ એવી પડકારરૂપ નહોતી છતાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હારી ગઈ હતી. ગયા વર્ષે આ સ્પર્ધાની ટ્રોફી જીતનાર મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ વખતે એક પણ જીત મેળવ્યા વિના ભારત પાછી આવી રહી છે.

સિડની સિક્સર્સની ચારેયમાં જીત

ગયા અઠવાડિયે જ સેમી ફાઇનલમાં પહોંચી ચૂકેલી સિડની સિક્સર્સની ટીમ વૉટ્સન વગર પણ જીતી હતી. એ સાથે સિડની સિક્સર્સે ચારેય લીગમાં વિજય મેળવ્યો છે.

ચારેય મૅચમાં પ્રથમ છ ઓવરનો ખરાબ રનરેટ મુંબઈ ઇન્ડિયન્સને ભારે પડ્યો : સચિન પાછો થયો ક્લીન બોલ્ડ


મુંબઈ ઇન્ડિયન્સ ચારમાંથી ત્રણ મૅચ હાર્યું અને એક મૅચ વરસાદને કારણે અનિર્ણીત રહી હતી. આ ચારેય મૅચની પ્રથમ છ ઓવરમાં મુંબઈ ઇન્ડિન્સના શરૂઆતના ત્રણ બૅટ્સમેનો સચિન તેન્ડુલકર, ડ્વેઇન સ્મિથ અને રોહિત શર્માએ ખરાબ પર્ફોમ કર્યું હતું. તેમની ધીમી બૅટિંગને કારણે પછીના બૅટ્સમેનો પર બાકીની ૧૪ ઓવરમાં બનેએટલા વધુ રન બનાવવાનું પ્રેશર વધી ગયું હતું અને તેઓ વિકેટ ગુમાવતા રહ્યા હતા.

ચાર મૅચની પ્રથમ છ ઓવરમાં કેટલો રનરેટ?

૧૪ ઑક્ટોબર : હાઇવેલ્ડ લાયન્સ સામે ફસ્ર્ટ બૅટિંગમાં પ્રથમ ૬ ઓવરમાં ૫૩/૧ (રનરેટ: ૮.૮૩), ટોટલ : ૨૦ ઓવરમાં ૧૫૭/૬ (રનરેટ : ૭.૮૫), ભારતની ૮ વિકેટે હાર

૧૮ ઑક્ટોબર : યૉર્કશર સામે ફસ્ર્ટ બૅટિંગમાં પ્રથમ ૬ ઓવરમાં ૪૨/૧ (રનરેટ : ૭.૦૦), ટોટલ : ૧૭.૫ ઓવરમાં ૧૫૬/૬ (રનરેટ : ૮.૭૪), મૅચ અનિર્ણીત

૨૦ ઑક્ટોબર : ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૧૭૪ રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે પ્રથમ ૬ ઓવરમાં ૨૫/૨ (રનરેટ : ૪.૧૬), ટોટલ : ૨૦ ઓવરમાં ૧૭૩/૮ (રનરેટ : ૮.૩૫), ભારતની ૬ રનથી હાર

૨૨ ઑક્ટોબર : સિડની સિક્સર્સ સામે ૧૩૭ રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે પ્રથમ ૬ ઓવરમાં ૩૦/૦ (રનરેટ : ૫.૦૦), ટોટલ : ૨૦ ઓવરમાં ૧૨૪/૮ (રનરેટ : ૬.૨૦), ભારતની ૧૨ રનથી હાર

હરભજને કઈ હૈયાવરાળ ઠાલવી?

મને છેલ્લા કેટલાક પરાજયોમાંથી આ મૅચના પરાજયથી સૌથી વધુ આઘાત લાગ્યો છે.

સિડની સિક્સર્સ સામે ૧૩૭ રનનો ટાર્ગેટ ૧૮ ઓવરમાં જ હાંસલ થઈ શકે એમ હતો, પરંતુ અમે ૨૦ ઓવરમાં ન મેળવી શક્યા એટલે મને વધુ દુ:ખ થયું છે.

ઇનિંગ્સની શરૂઆતની ઓવરોમાં અમે અતિશય ધીમી બૅટિંગ કરી. અમે મોકાનો લાભ ઊઠાવવામાં નિષ્ફળ રહ્યા.

અમે સારી બૅટિંગ તો ન કરી, જવાબદારી સ્વીકાર્યા વગર રમ્યા એનું આ પરિણામ છે.

અમારે ૧૩૭ રનનો નાનો ટાર્ગેટ કેમેય કરીને મેળવવાનો છે એવો અભિગમ મને કોઈનામાં નહોતો દેખાયો.

પાવરપ્લેમાં અમે બહુ રન નથી બનાવી શકતા એ અમારા માટે સૌથી ગંભીર વિષય છે.

ચૅમ્પિયન્સ લીગની ચારેય મૅચમાં પ્રથમ છ ઓવરમાં અમારા બૅટ્સમેનોએ ટીમને સારું સ્ટાર્ટ ન અપાવ્યું એટલે આ વખત જોવો પડ્યો.

T20માં પહેલી છ ઓવરમાં ફટકાબાજી થાય તો જ હરીફોના હાથમાંથી બાજી આંચકી શકાય, પરંતુ અમે જે ત્રણેય મૅચ હાર્યા એમાં આવી પ્રથમ છ ઓવરની ફટકાબાજી નહોતા કરી શક્યા અને આ બાબત અમારા માટે સૌથી મોટી ચિંતા છે.

આ વર્ષની આઇપીએલમાં પણ આવી શરૂઆતની ધીમી બૅટિંગે અમને પાછળ પાડી દીધા હતા. આ કચાશ અમારે દૂર કરવી જ પડશે.

આખી ટુર્નામેન્ટમાં અમારા બોલરોએ બહુ સારું પર્ફોમ કર્યું.