લાયન્સ આજે જીતશે તો મુંબઈ-ચેન્નઈ આઉટ

20 October, 2012 06:32 AM IST  | 

લાયન્સ આજે જીતશે તો મુંબઈ-ચેન્નઈ આઉટ



કેપ ટાઉન: આઇપીએલની ચૅમ્પિયન ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ પછી ગુરુવારે મેઘરાજાએ ચૅમ્પિયન્સ લીગની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સની મજા બગાડી હતી. પર્થ સ્કૉર્ચર્સ સામેની બુધવારની ગ્રુપ ‘એ’ની મૅચ વરસાદને લીધે ધોવાઈ જતાં કલકત્તા નાઇટ રાઇડર્સે આ વખતની ચૅમ્પિયન્સ લીગની સેમી ફાઇનલમાં પહોંચવાની આશા છોડી દેવી પડી હતી. ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સની યૉર્કશર સામેની મૅચનો પણ વરસાદને લીધે અધવચ્ચે અંત આવી ગયો હતો અને ગ્રુપ ‘બી’માં માત્ર બે પૉઇન્ટ ધરાવતી ભજી ઍન્ડ કંપની પણ આ સ્પર્ધામાંથી ઑલમોસ્ટ આઉટ થઈ ગઈ હતી.

બન્ને ગ્રુપની ટોચની બે-બે ટીમ સેમી ફાઇનલમાં જશે. દરેક ટીમે પોતાના ગ્રુપની ટીમો સામે કુલ ચાર લીગ મૅચ રમવાની છે. ગ્રુપ ‘બી’માં સિડની સિક્સર્સ હાઇએસ્ટ ૧૨ પૉઇન્ટ સાથે સેમીમાં પહોંચી ગઈ છે. હાઇવેલ્ડ લાયન્સના ૮ પૉઇન્ટ છે અને જો આજે આ ટીમ બે પૉઇન્ટ ધરાવતી યૉર્કશરની નબળી ટીમ સામે જીતી જશે તો સેમીમાં જશે અને એ સાથે આ ગ્રુપમાં મુંબઈ ઇન્ડિયન્સ, યૉર્કશર તથા ચેન્નઈ સુપર કિંગ્સના પડકારનો અંત આવી જશે.

ગુરુવારે મુંબઈ ઇન્ડિયનસને બૅટિંગ મળ્યાં પછી એની માત્ર ૧૭.૫ ઓવર રમાઈ હતી જેમાં એણે ૬ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા અને એને જીતીને ૪ પૉઇન્ટ મેળવવાનો મોકો હતો, પરંતુ મેઘરાજા વિઘ્ન બની ગયા હતા. ૧૫૬ રનના ટોટલમાં કીરૉન પોલાર્ડ (૩૭ નૉટઆઉટ, ૨૦ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)નો ઇન્ડિવિજ્યુઅલ સ્કોર હાઇએસ્ટ હતો. ડ્વેઇન સ્મિથ (૩૭ રન, ૨૬ બૉલ, ૪ સિક્સર)નો સ્કોર સેકન્ડ-હાઇએસ્ટ હતો. સચિન તેન્ડુલકર માત્ર ૭ રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો.