ભારતની બે ટીમ માટે ડાઉટ બીજી બે ઑલમોસ્ટ આઉટ

04 October, 2011 08:54 PM IST  | 

ભારતની બે ટીમ માટે ડાઉટ બીજી બે ઑલમોસ્ટ આઉટ

જોકે આઇપીએલની આ ચારેય ટીમો કે ચારમાંથી ત્રણ અથવા બે ટીમો સેમી ફાઇનલથી વંચિત રહી જશે તો નવાઈ નહીં લાગે.

ગ્રુપ ‘એ’માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગ્રુપ ‘બી’માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સાવ તળિયે છે. જોકે ગઈ કાલની જીતથી બૅન્ગલોરનો સેમીનો ચાન્સ વધી ગયો છે. ગ્રુપ ‘એ’માં મુંબઈ ઇન્ડિયન્સની અને ગ્રુપ ‘બી’માં કલકત્તા નાઇટ રાઇડર્સની ચારેય લીગ મૅચ થઈ ગઈ છે અને એ ટીમોએ હવે બાકીની મૅચોના પરિણામો પર આધાર રાખ્યો છે. આમાં કલકત્તાની સેમી માટે નહીં જેવી સંભાવના છે.

કઈ ટીમને કેવી રીતે સેમી ફાઇનલનો કેટલો ચાન્સ?

ગ્રુપ-એ

મુંબઈ ઇન્ડિયન્સના સૌથી વધુ પાંચ પૉઇન્ટ હોવા છતાં સેમી ફાઇનલ માટે એને થોડો ઓછો ચાન્સ છે. મુંબઈની ચારેય લીગ મૅચ થઈ ગઈ છે. આજે કેપ કોબ્રાઝ અને ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝમાંથી જે પણ ટીમ હારશે એણે મુંબઈ માટે સેમીનો માર્ગ મોકળો કરી દીધો કહેવાશે. જોકે કેપ કોબ્રાઝ જીતશે તો પાંચ પૉઇન્ટ અને ચડિયાતા રનરેટ સાથે મુંબઈને પાછળ રાખી દેશે અને પછી ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝ પણ જીતશે તો હાઇએસ્ટ છ પૉઇન્ટ સાથે સેમીમાં જશે અને જો અગાઉ કેપ કોબ્રાઝ જીતી ગયેલું હશે તો મુંબઈ આઉટ થઈ જશે.

જો કેપ કોબ્રાઝ આજે હારી જશે તો આઉટ થઈ જશે, પરંતુ જીતી જશે તો મુંબઈ કરતાં ચડિયાતા સ્થાને પહોંચીને સેમીમાં જશે.

ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝ જો આજે ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારી જશે અને જો એ પહેલાં કેપ કોબ્રાઝ સામે ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગો જીતી ગયું હશે તો ચાર-ચાર પૉઇન્ટ સાથે ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝ અને ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગો વચ્ચે રનરેટને આધારે સેમી માટે હરીફાઈ થશે.

ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગો આજે કેપ કોબ્રાઝ સામે જીતે તો જ એની સેમી માટેની આશા જીવંત રહે. ચેન્નઈ સુપર કિંગ્સ આજે ન્યુ સાઉથ વેલ્સ સામે જીતી જાય તો પણ માઇનસના રનરેટને કારણે એનો સેમીનો ચાન્સ ઓછો છે.

ગ્રુપ-બી

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ગઈ કાલે આ ટુર્નામેન્ટમાં પહેલી વાર જીત્યું હતું. આ ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં હજી તળિયે છે, પરંતુ એને સેમીનો સારો ચાન્સ છે. સેમીમાં જવા એણે આવતી કાલે સાઉથ ઑસ્ટ્રેલિયા રેડબૅક્સને હરાવવું જ પડે. જો બૅન્ગલોર જીતી જાય તો એના ૪ પૉઇન્ટ થાય અને ચડિયાતા રનરેટને લીધે એણે કલકત્તા નાઇટ રાઇડર્સને પાછળ રાખી દીધું કહેવાય. આવતી કાલે ધ શેવરોલે વૉરિયર્સ અને સમરસેટ સૅબર્સમાંથી જે પણ ટીમ જીતીને સેમીમાં જશે એનાથી બૅન્ગલોરને કોઈ ફરક નહીં પડે. બૅન્ગલોરે હવે આશા જીવંત રાખવા સાઉથ ઑસ્ટ્રેલિયા રેડબૅક્સને હરાવીને સ્પર્ધાની બહાર કરવાનું જ છે.

ધ શેવરોલે વૉરિયર્સ આવતી કાલે સમરસેટ સૅબર્સ સામે જીતીને સેમીમાં પહોંચી શકે. જોકે વૉરિયર્સની હાર થશે તો સમરસેટ સૅબર્સ તો સેમીમાં જશે જ, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને સાઉથ ઑસ્ટ્રેલિયા રેડબૅક્સમાંનું કોઈ એક વિજેતા વૉરિયર્સને સેમીથી વંચિત રાખી શકે.

કલકત્તા નાઇટ રાઇડર્સની ચારેય મૅચ થઈ ગઈ છે અને એ લગભગ આઉટ જ છે. જોકે વરસાદને લીધે બાકીની મૅચોની હરીફ ટીમોને એક-એક પૉઇન્ટ મળે તો કલકત્તાને થોડી તક મળી શકે.

આવતી કાલે ધ શેવરોલે વૉરિયર્સ સામે જીતીને સમરસેટ સૅબર્સ પાંચ પૉઇન્ટ સાથે સેમીમાં જઈ શકે. સાઉથ ઑસ્ટ્રેલિયા રેડબૅક્સ જો રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે જીતી જશે તો સેમીમાં જશે, પરંતુ હારી જશે તો આઉટ થઈ જશે અને બૅન્ગલોરને મોકો મળી જશે.