ચૅમ્પિયન મધ્ય પ્રદેશને યાદગાર સીઝનમાંથી મળ્યા ૬ સિતારા

28 June, 2022 07:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશની ટીમ બે સ્ટાર ખેલાડીઓ અવેશ ખાન અને વેન્કટેશ ઐયર વિના રવિવારે પહેલી વાર રણજી ટ્રોફીનું ટાઇટલ જીતી હતી

ચૅમ્પિયન મધ્ય પ્રદેશને યાદગાર સીઝનમાંથી મળ્યા ૬ સિતારા

મધ્ય પ્રદેશની ટીમ બે સ્ટાર ખેલાડીઓ અવેશ ખાન અને વેન્કટેશ ઐયર વિના રવિવારે પહેલી વાર રણજી ટ્રોફીનું ટાઇટલ જીતી હતી, પરંતુ વધુ આનંદની વાત એ છે કે ચંદ્રકાન્ત પંડિતના કોચિંગમાં આ ટીમને આ સફળ સીઝનમાંથી એવા ૬ સિતારા મળ્યા જેમાંથી કોઈક ખેલાડી સમય જતાં ભારતીય ટીમમાં જોવા મળી શકશે.
એમપીના ૬ ચૅમ્પિયન સ્ટાર્સ
(૧) યશ દુબે  ૨૩ વર્ષનો આ રાઇટ-હૅન્ડ બૅટર ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યા બાદ ચાર વર્ષમાં ક્યારેય ઓપનિંગમાં નહોતો રમ્યો, પણ આ વખતની રણજી સીઝનમાં તેને એ મોકો મળ્યો હતો. મેઘાલય સામે સાતમા સ્થાને બનાવેલા ૮૫ રનને લીધે તેને પછીથી ઓપનિંગમાં રમવા કહેવાયું હતું. માર્ચમાં કેરલા સામેની ‘મસ્ટ-વિન’ મૅચમાં તેણે ઓપનર તરીકે ૨૮૯ રન બનાવ્યા હતા. મુંબઈ સામેની ફાઇનલના પહેલા દાવમાં તેણે બનાવેલા ૧૩૩ રન મધ્ય પ્રદેશને લીડ લેવામાં ખૂબ કામ લાગ્યા હતા.
(૨) રજત પાટીદાર : ૨૯ વર્ષનો આ રાઇટ-હૅન્ડ બૅટર મે મહિનામાં બૅન્ગલોર વતી અણનમ ૧૧૨ રન બનાવીને (ઇન્ટરનૅશનલ મૅચ ન રમ્યો હોય એવો આઇપીએલનો પ્રથમ સેન્ચુરિયન બનીને) રેકૉર્ડ-બુકમાં આવી ગયો હતો. રણજીની તેની પાંચ ઇનિંગ્સ (૮૫, ૭, ૭૯, ૧૨૨ અને ૩૦* રન) મધ્ય પ્રદેશને ટાઇટલ જીતવામાં ઘણી મદદરૂપ થઈ હતી.
(૩) શુભમ શર્મા : ૨૮ વર્ષના આ વનડાઉન રાઇટ-હૅન્ડ બૅટરે આ રણજી સીઝનમાં કુલ ૬૦૮ રન બનાવ્યા હતા, જેમાં ચાર સેન્ચુરી હતી. એ બતાવે છે કે તે લાંબી ઇનિંગ્સ રમવા માટે ટેવાયેલો છે. તેણે ગુજરાત સામે ૯૨ રન બનાવીને સીઝનની શરૂઆત કરી હતી અને મુંબઈ સામેની ફાઇનલમાં ૧૧૬ તથા ૩૦ રન બનાવીને હૅપી એન્ડ લાવી દીધો હતો.
(૪) કુમાર કાર્તિકેય : ૨૪ વર્ષનો ઉત્તર પ્રદેશનો આ લેફ્ટ-આર્મ સ્પિનર એક દાયકાના સંઘર્ષ બાદ આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી કેટલીક સફળ ઇનિંગ્સ બાદ રણજીના નૉકઆઉટમાં રમ્યો અને એની ૬ ઇનિંગ્સ (પંજાબ સામે ૧/૪૭, ૬/૫૦, બેંગાલ સામે ૩/૬૧, ૫/૬૭ અને મુંબઈ સામે ૧/૧૩૩, ૪/૯૮)માં ચમકીને મધ્ય પ્રદેશને પ્રથમ ટ્રોફી અપાવવામાં મોટો ફાળો આપ્યો. તેની કુલ ૩૨ વિકેટ સીઝનના તમામ બોલર્સમાં બીજા સ્થાને હતી.
(૫) અક્ષત રઘુવંશી : માત્ર ૧૮ વર્ષનો આ ટીનેજર અને રાઇટ-હૅન્ડ બૅટર ભલે ફાઇનલમાં મુંબઈ સામે ફક્ત ૯ રન બનાવી શક્યો, પણ એ પહેલાં બેંગાલ સામે (૬૩), પંજાબ સામે (૬૯) અને કેરલા સામે (૫૦) હાફ સેન્ચુરી કરીને તેણે મધ્ય પ્રદેશને ફાઇનલ:માં પહોંચાડવામાં ઉપયોગી યોગદાન આપ્યું હતું.
(૬) ગૌરવ યાદવ : ૩૦ વર્ષના આ પેસ બોલરે મુંબઈ સામેની ફાઇનલના બન્ને દાવમાં (૪/૧૦૬) અને ૨/૫૩) વિકેટ લઈને પૃથ્વી શૉની ટીમમાં ગાબડાં પાડ્યાં હતાં. રણજીમાં છેલ્લી ૧૦માંથી ૯ ઇનિંગ્સમાં વિકેટ લેનાર આ બોલરે અવેશ ખાનની ખોટ ન વર્તાવા દીધી. આખી સીઝનમાં તે ૨૩ વિકેટ સાથે તમામ બોલર્સમાં ચોથા નંબરે હતો.

2
એમ. પી.ના બીજા આટલા સિતારાઓમાં બેંગાલ સામેની સેમીમાં ૮૨ રન બનાવનાર કૅપ્ટન આદિત્ય શ્રીવાસ્તવ અને છેલ્લી પાંચ મૅચમાં પંદર વિકેટ લેનાર ફાસ્ટ બોલર અનુભવ અગરવાલનો સમાવેશ છે.

sports news cricket news