કૅરિબિયન ફાસ્ટ બોલરો પર બનેલી ફિલ્મ અફલાતૂન, પણ કેટલીક કચાશો : ઇમરાન ખાન

21 September, 2012 05:07 AM IST  | 

કૅરિબિયન ફાસ્ટ બોલરો પર બનેલી ફિલ્મ અફલાતૂન, પણ કેટલીક કચાશો : ઇમરાન ખાન



ક્લેટન મુર્ઝેલો

મુંબઈ, તા. ૨૧

૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં આગ ઓકતી ફાસ્ટ બોલિંગથી સમગ્ર ક્રિકેટજગતમાં હાહાકાર મચાવનાર વેસ્ટ ઇન્ડિયન ટીમના ફાસ્ટ બોલરો માઇકલ હોલ્ડિંગ, માલ્કમ માર્શલ, ઍન્ડી રૉબર્ટ્સ અને જોએલ ગાર્નર પર બનેલી ‘ફાયર ઇન બેબીલોન’ નામની અંગ્રેજી ડૉક્યુમેન્ટરી ફિલ્મ આજે ભારતમાં રિલીઝ થઈ રહી છે. ૮૦ મિનિટની આ મૂવી વિશે કૅરિબિયન બોલરો સામે અનેક મૅચો રમી ચૂકેલા ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન ઇમરાન ખાને ખૂબ પ્રશંસા કરી હતી તેમ જ આ ફિલ્મમાં રહેલી કેટલીક ખામીઓ તરફ આંગળી પણ ચીંધી હતી.

ઇમરાન ખાન ૬૦ વર્ષના છે. તેમણે ગઈ કાલે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં આ ફિલ્મ વિશે કહ્યું હતું કે ‘આ મૂવી ક્રિકેટના ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાં ગણાશે. એક જ ટીમના ચાર-ચાર ફાસ્ટ બોલરો ઉચ્ચત્તમ ગુણવત્તા ધરાવતી ઝંઝાવાતી બોલિંગથી ક્રિકેટજગતને ધþુજાવી મૂકે એવું વેસ્ટ ઇન્ડીઝ સિવાય બીજી કોઈ ટીમની બાબતમાં નથી બન્યું અને આવી ટીમ પર બનેલી ફિલ્મ અદ્ભુત ઘટના જ કહેવાય. કૅરિબિયનોની એ દાયકાઓની ટીમ પાસે વિવ રિચર્ડ્સ અને ગૉર્ડન ગ્રિનિજ સહિતના ઉચ્ચ કોટિના અનેક બૅટ્સમેનો પણ હતા. એ ટીમ પાસે સારા સ્પિનરો નહોતા. જોકે એ ટીમને સ્પિનરોની જરૂર પણ નહોતી. ટર્ન અપાવતી વિકેટો પર પણ એના ફાસ્ટ બોલરો હરીફોને બે વખત ઑલઆઉટ કરતા હતા. આ ફિલ્મ વિશે મારે થોડી ટીકા કરવી છે કે આ ફિલ્મમાં ક્રિકેટ વિશે બીજી પાંચથી દસ મિનિટ ફાળવી જોઈતી હતી. એમાં જેટલી રિયલ ક્રિકેટ બતાવવામાં આવી છે એ પૂરતી નથી. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકાઓના અમુક પ્લેયરોના યાદગાર શૉટ્સ પણ બતાવવા જોઈતા હતા. બીજું, કૅરિબિયન ફાસ્ટ બોલરોના શાસન દરમ્યાન તેમના બૉલની સ્પીડ માપવાનું કોઈ સાધન નહોતું એટલે તેમના ઝડપી બૉલ પર પણ થોડો પ્રકાશ પાડવામાં આવ્યો હોત તો પણ મજા પડી જાત.’

ગાવસકરના અભિપ્રાયની ગેરહાજરી

ઇમરાન ખાનના મતે ‘ફાયર ઇન બેબીલોન’ ફિલ્મમાં ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકાના ચાર કૅરિબિયન ફાસ્ટ બોલરો વિશે સુનીલ ગાવસકરના મંતવ્યો સમાવવામાં નથી આવ્યા એ આ ફિલ્મની બીજી મોટી ખામી છે. ઇમરાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચાર કૅરિબિયન લેજન્ડ્સનો સૌથી વધુ સામનો સનીએ કર્યો હતો. વિશ્વના શ્રેષ્ઠ ઓપનિંગ બૅટ્સમેનોમાં અને બૅટિંગ ટેãક્નકની દૃષ્ટિએ ઉચ્ચ દરજ્જાના ગણાતા બૅટ્સમેનોમાં ગાવસકરની ગણના અચૂક થાય છે એટલે ફિલ્મમાં તેમના અભિપ્રાયો હોત તો ફિલ્મને ચાર ચાંદ લાગી ગયા હોત.