ગાંગુલી+ધોની = રોહિત

14 November, 2020 01:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગાંગુલી+ધોની = રોહિત

ઈરફાન પઠાણ

મંગળવારે દિલ્હીને ફાઇનલમાં હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ રેકૉર્ડ પાંચમી વાર આઇપીએલ ચૅમ્પિયન બન્યું હતું. આ પાંચેય વાર મુંબઈને સફળતા રોહિત શર્માની કૅપ્ટન્સીમાં મળી છે. આ સાથે તે આઇપીએલનો સૌથી સફળ કૅપ્ટન રહ્યો છે. રોહિતની સફળતાને લીધે કોઈક તેની સરખામણી દેશના બે સૌથી સફળ કૅપ્ટન સૌરવ ગાંગુલી સાથે કરે છે તો કોઈક કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની સાથે કરે છે. જોકે ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને આઇપીએલમાં કૉમેન્ટરી કરનાર ઇરફાન પઠાણે આ સરખામણી કંઈક અલગ અંદાજમાં કરી હતી. તેમનું કહેવું છે કે રોહિત શર્મા ભારતના બે સૌથી સફળ કૅપ્ટનોનું મિશ્રણ છે.

ફાઇનલ મૅચમાં રોહિતે જે રીતે સીઝનમાં ભાગ્યે જ રમેલા જયંત યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરીને તેનો યોગ્ય ઉપયોગ કરીને ખૂબ પ્રશંસા મેળવી હતી. જયંત યાદવે દિલ્હીને હાઇએસ્ટ સ્કોરર અને સીઝનમાં બે-બે સેન્ચુરી ફટકારનાર શિખર ધવનને ક્લીન બોલ્ડ કરીને દિલ્હીને મોટો ઝટકો આપ્યો હતો.
ગાંગુલીની કૅપ્ટન્સીમાં કરીઅરની શરૂઆત કરીને લાંબો સમય સુધી ધોનીના નેતૃત્વ હેઠળ રમનાર ઇરફાને સમજાવ્યું હતું કે ગાંગુલી અને ધોનીની જેમ રોહિત કેવી રીતે બોલરોને સપોર્ટ કરે છે. પઠાણે કહ્યું કે જે રીતે રોહિતે ફાઇનલમાં જયંત યાદવનો ઉપયોગ કર્યો એ તેનો ક્લાસ બતાવે છે. કોઈ પણ કૅપ્ને એ વખતે ફાસ્ટ બોલરને પસંદ ર્યો હોત, પણ રોહિતે તેની સેન્સ વાપરીને સ્પિનર જયંતને પસંદ કરીને તેને બોલિંગ આપી હતી. આ દર્શાવે છે કે તે તેના વિચારોમાં કેટલો સ્પષ્ટ હોય છે. એ બોલરોનો કૅપ્ટન છે.

ઇરફાન પઠાણે આગળ કહ્યું કે રોહિત શર્મા ધોની અને ગાંગુલીનું મિશ્રણ છે. ગાંગુલી હંમેશાં તેના બોલરો પર ભરોસો કરતો અને ધોની પણ એવું કરતો હતો અને ખાસ સેન્સથી નિર્ણય લેતો હતો.

ઇરફાને એક મૅચનું ઉદાહરણ આપતાં કહ્યું કે ‘મને યાદ છે કે એક મૅચમાં ટીમ સંકટમાં હતી. સાધારણ રીતે રોહિત ૧૮મી ઓવરમાં બુમરાહને બોલિંગ આપતો હોય છે, પણ પરિસ્થિતિ જોતાં તેણે ૧૭મી ઓવર આપી હતી. બુમરાહે એ ઓવરમાં વિકેટ લઈને બાજી જ પલટી નાખી હતી અને મુંબઈ જીત્યું હતું. રોહિત આ રીતે પોલાર્ડનો પણ બખૂબી ઉપયોગ કરી લેતો હોય છે.

irfan pathan cricket news sports news sourav ganguly ms dhoni rohit sharma