ડ્રેસિંગ રૂમના ઝઘડાની મનઘડંત વાત પર હૉલીવુડની સારી ફિલ્મ બની શકે : ધોની

26 December, 2014 03:13 AM IST  | 

ડ્રેસિંગ રૂમના ઝઘડાની મનઘડંત વાત પર હૉલીવુડની સારી ફિલ્મ બની શકે : ધોની




ટીમ ઇન્ડિયાના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ત્રીજી ટેસ્ટ શરૂ થવાની પૂર્વસંધ્યાએ ગઈ કાલે બીજી ટેસ્ટમાં હાર માટે ‘ડ્રેસિંગ રૂમના મતભેદો’ જવાબદાર ન હોવાનું કહીને આવા સમાચારોની ઠેકડી ઉડાવી હતી. તેણે પ્રેસ-કૉન્ફરન્સમાં આવો કોઈ વિવાદ થયો ન હોવાનું કહ્યું હતું.

વિરાટ અને શિખરના કથિત ઝઘડા વિશે બોલતાં તેણે કહ્યું હતું કે ‘મીડિયાના આવા સમાચારો સાવ ખોટા અને બકવાસ છે. આવી વાર્તાઓ પરથી માર્વેલ અને વૉર્નર બ્રધર્સ સારી ફિલ્મ બનાવી શકે છે. જો તમને ડ્રેસિંગ રૂમની કોઈ વ્યક્તિએ આવી વાત કહી હોય તો તેનું નામ આપો. બાકી આવી મનઘડંત કહાનીઓ બનાવી શકતી વ્યક્તિએ ખરેખર તો ફિલ્મ બનાવનારાઓનો સંપર્ક કરવો જોઈએ. હવે હું તમને કહું છું કે વિરાટે ચાકુ લઈને શિખર ધવનને પરોવી દીધું હતું અને જ્યારે તે હોંશમાં આવ્યો ત્યારે તેને ધક્કા મારીને બૅટિંગ કરવા માટે મોકલાયો હતો. સાચું કહું તો છેલ્લી મિનિટોમાં બૅટિંગના ક્રમમાં અચાનક થોડા ફેરફારોથી સ્થિતિ અસહજ બની હતી કેમ કે ત્યારે શિખરની જગ્યાએ વિરાટને બૅટિંગ કરવા માટે મોકલાયો હતો.

નબળી મહેમાનગતિ વિશે બોલતાં ધોનીએ કહ્યું હતું કે ‘પ્રૅક્ટિસ માટે નબળી પિચો અને અયોગ્ય ફૂડની ટીમની ફરિયાદો તેમ જ ડ્રેસિંગ રૂમની મનઘડંત વાતો વિશે ઑસી કૅપ્ટન સ્ટીવ સ્મિથ સહિતના લોકો ટીકા કરી રહ્યા છે તેમને હું કોઈ જવાબ આપવા નથી માગતો. અમે આવી કોઈ ર્ફોમલ ફરિયાદ પણ નોંધાવી નથી અને સ્ટીવ સ્મિથની કમેન્ટ વિશે હું કોઈ પ્રતિક્રિયા આપું એ અયોગ્ય કહેવાય. મેદાન પર પ્લેયર્સ વચ્ચે થોડી તનાતની બરાબર છે, પણ ગમે તે ટીમનો હોય, કોઈ પણ ખેલાડીએ બેફામ નિવેદનોથી બચવું જોઈએ. જ્યાં સુધી મેદાન અને ક્રિકેટની નક્કી કરેલી મર્યાદાઓ જળવાઈ રહે ત્યાં સુધી ક્રિકેટને ઇન્ટરેસ્ટિંગ બનાવવા આવું બધું જરૂરી છે. મને લિમિટમાં બધું થાય એની કોઈ ચિંતા નથી. આજથી શરૂ થતી મૅચ વિશે હું એટલું જ કહેવા માગું છું કે રિઝલ્ટ વિશે વિચાર્યા વગર રમત અને એની પ્રોસેસ પર ધ્યાન કેãન્દ્રત કરવું જોઈએ, કેમ કે આખરે આ પ્રોસેસ જ તમને રિઝલ્ટ આપે છે. ક્રિકેટનો એ અડધોથી પોણો કલાક ખૂબ મહત્વનો હોય છે જેમાં ટીમ સાથે બેસીને ચર્ચા કરે છે. ઍડીલેડ અને બ્રિસ્બેનમાં પણ ટીમના સભ્યોનો રિસ્પૉન્સ ખૂબ સારો હતો. ’

ક્રિકેટમાં પોતાના દાયકા વિશે બોલતાં કૅપ્ટન કૂલે કહ્યું હતું કે ‘ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં મારી દાયકાની કરીઅરમાં હું ઘણું શીખ્યો છું. ક્રિકેટમાં સારો અને ખરાબ સમય તો આવતો જ રહે છે એથી નમ્ર રહેવું જરૂરી છે. ક્રિકેટમાં તો તમે સતત મૅચિસ જીતતા હો એમ તમને સતત હારનો પણ સામનો કરવો પડે. બધા તો વેસ્ટ ઇન્ડીઝના ક્લાઇવ લૉઇડ જેટલા નસીબવંતા નથી હોતા, જેણે ૧૦-૧૨ વર્ષમાં હાર જોઈ જ નહોતી. ૧૦ વર્ષની મારી ક્રિકેટસફરથી હું સંતુષ્ટ અને ખુશ છું.

સુનામીનો ભોગ બનેલાઓને શ્રદ્ધાંજલિ અપાશે


બૉક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે ક્રિકેટરો મેદાન પર દાયકા પહેલાં સુનામીનો ભોગ બનેલા ભારતના ૧૮,૦૦૦ સહિતના ૧૪ દેશોના ૨,૩૦,૦૦૦ લોકોને ખાસ શ્રદ્ધાંજલિ આપશે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે ૬૫,૦૦૦થી વધુ પ્રેક્ષકો ઊમટી પડવાની ધારણા છે.

ટીમનું મનોબળ મજબૂત કરવા સાયકોલૉજિસ્ટની હેલ્પ

આજથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા મજબૂત મનોબળથી રમે તે માટે ટીમ મૅનેજમેન્ટે જાણીતા સ્ર્પોટ્સ સાયકોલૉજિસ્ટ સેન્ડી ર્ગોડનની હેલ્પ લેવાનું નક્કી કર્યું છે. પર્થમાં રહેતા આ ડૉક્ટર ટીમ સાથે જોડાશે અને ખેલાડીઓને ગમે તે પરિસ્થિતિમાં મજબૂત મનોબળથી રમવાની સોનેરી ટીપ્સ આપતા રહેશે. સૌરવ ગાંગુલી કૅપ્ટન હતો ત્યારે ૨૦૦૩માં સાઉથ આફ્રિકામાં ક્રિકેટ વલ્ર્ડ કપ વખતે ટીમ ઇન્ડિયા નેધરલૅન્ડ્સ અને ઑસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી અને ચોમેર ટીકા થતી હતી ત્યારે સેન્ડી ર્ગોડને એવી સલાહ આપી હતી કે ટીમ ઇન્ડિયા છેક ફાઇનલ સુધી પહોંચી ગઈ હતી.