બ્રિસબેન ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના 4 વિકેટે 221 રન

18 December, 2014 08:57 AM IST  | 

બ્રિસબેન ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના 4 વિકેટે 221 રન




બ્રિસબેન : તા. 18 ડિસેમ્બર


ઉમેશ યાદવે શાનદાર પ્રદર્શન કરતા ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે સ્પિનર આર અશ્ચિને એક વિકેટ પોતાના નામે કરી હતી. ઈશાંત શર્મા અને વરૂન એરોનને કોઈ જ સફળતા હાથ લાગી ન હતી.

ભારતની ટીમ આજે 408 રને ઓલઆઉટ થઈ હતી હતી. ભારતને બીજા દિવસની રમતની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાએ જોરદાર ઝટકા આપ્યા હતાં. અજીંક્ય રહાણે 81 અને કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ 53 રન બનાવ્યા હતાં.

આજે ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગની શરૂઆત મહદાંશે સારી રહી હતી. ઓપનર બેટ્સમેન સ્વિસ રોજર્સે 55 રન બનાવ્યા હતાં. સામા છેડે વાર્નરે 29 રન બનાવ્યા હતાં. બંને બેટ્સમેન કોઈ મોટી ઈનિંગ રમે તે પહેલા જ ઉમેશ યાદવે બંનેને પેવેલિયન ભેગા કર્યા હતાં. ત્યાર બાદ આર અશ્વિને શેન વોટ્સનને 25 રને આઉટ કર્યો હતો. પાંચમા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા શૉન માર્શને પણ ઉમેશ યાદવે અશ્વિનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.  જોકે કપ્તાન સ્ટિવન સ્મિથે અણનમ 65 રન બનાવ્યા હતાં. બીજા છેડે મિશેલ માર્શ પણ 7 રને અણનમ રહ્યો હતો.

અગાઉ ભારતે ગઈ કાલના 4 વિકેટે 311 રનની ઈનિંગને આજે બીજા દિવસે આગળ ધપાવી હતી. અણનમ રમી રહેલા રોહિત શર્મા અને અજીંક્ય રહાણેએ ભારતની ઈનિંગને આગળ ધપાવી હતી. જોકે ભારતે કુલ ટોટલમાં 10 રન ઉમેર્યા એ સાથે જ અજીંક્ય રહાણેના રૂપમાં ભારતની વિકેટ પડવાની શરૂઆત થઈ હતી. ગઈ કાલની રમત દરમિયાન અણનમ રહાણે આજે 81 રને આઉટ થયો હતો. રોહિત શર્માને સાથ આપવા કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર ઉપર્યો હતો. 328 રનના સ્કોર પર રોહિત 32 રન બનાવી શેન વોટસનનો શિકાર બન્યો હતો. બાદમાં કપ્તાન ધોનીએ અશ્વિન સાથે મળીને 57 રનની ઉપયોગી ભાગીદારી બનાવી હતી. પરંતુ જોશ હેઝલવુડે આ ભાગીદારી તોડી નાખી હતી. હેઝલવુડે ધમાકેદાર 41 બોલમાં 6 ચોગ્ગા ફટકારી 35 રન બનાવી ચુકેલા અશ્વિનને વોટસનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ ધોની પણ 33 રને હેઝલવુડનો શિકાર બન્યો હતો. અંતે ઉમેશ યાદવ 9 અને વરૂણ એરોન 4 રન બનાવી આઉટ થયાં હતાં. ઈશાંત શર્મા 1 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો અને ભારતનો પહેલો દાવ 408 રનમાં સમેટાઈ ગયો હતો.

ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુશે 5 વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જયારે નિથન લિયોને 3 વિકેટ ખેરવી હતી. મેશેલ માર્શ અને શેન વૉટ્શનને એક એક વિકેટ મળી હતી. જોનસન, સ્ટાર્ક, વાર્નર અને સ્મિથને કોઈ જ સફળતા મળી ન હતી. જ્યારે ભારત તરફથી ઉમેશ યાદવે 4માંથી 3 મહત્વની વિકેટ ઝડપી હતી. સ્પિનર રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ મેળવી હતી.

બીજા દિવસના રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 221 રન બનાવ્યા હતાં. ઓસ્ટ્રેલિયા હજી ભારતથી 187 રન પાછળ છે અને તેના હાથમાં 6 વિકેટ બાકી છે. ઉલ્લેખનીય છે કે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 1-0ની સરસાઈ ભોગવી રહ્યું છે.