ભૂલ કબૂલ પણ આશા નથી છોડી : મેક્લમ

02 December, 2011 08:11 AM IST  | 

ભૂલ કબૂલ પણ આશા નથી છોડી : મેક્લમ



બ્રિસ્બેન : ઑસ્ટ્રેલિયા સામે ગઈ કાલે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૩૦)ના પહેલા દિવસે ન્યુ ઝીલૅન્ડે ૯૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી એનું સૌથી મોટું કારણ એ હતું કે ઓપનર બ્રેન્ડન મૅક્લમ સહિત કેટલાક બૅટ્સમેનોને ખોટા શૉટ-સિલેક્શન ભારે પડ્યા હતા.

સિરીઝની પ્રથમ ઓવર નવા પેસબોલર જેમ્સ પૅટિન્સને કરી હતી અને એમાં મૅક્લમે ત્રણ ફોર ફટકારી હતી. જોકે ૫૧ બૉલમાં કુલ ૭ ફોરની મદદથી બનાવેલા ૩૪ રનના સ્કોરે તે બીજા નવા પેસબોલર મિચલ સ્ટાર્કના અંદરની તરફ આવતા સીમ બૉલમાં કટ મારવાના પ્રયાસમાં પૉઇન્ટ પર ડેવિડ વૉર્નરને કૅચ આપી બેઠો હતો.

મૅક્લમે ગઈ કાલની રમત પછી પત્રકારોને કહ્યું હતું કે ‘મેં અને મારા કેટલાક સાથીઓએ શૉટ મારવામાં ભૂલ કરી હતી અને એનો અમને ખૂબ અફસોસ પણ છે. જોકે અમે પાંચ વિકેટે બનાવેલા ૧૭૬ રનના ટોટલને ઘણું આગળ લઈ જઈશું એવી અમને આશા પણ છે.’

ગઈ કાલે બૅડ લાઇટ અને વરસાદને કારણે ૯૦ને બદલે ૫૧ ઓવર થઈ શકી હતી અને એમાં ન્યુ ઝીલૅન્ડે પાંચ વિકેટે ૧૭૬ રન કર્યા હતા. ડેનિયલ વેટોરી ૪૫ રને અને મિડલ-ઑર્ડર બૅટ્સમૅન ડીન બ્રાઉન્લી ૩૨ રને નૉટઆઉટ હતા. છઠ્ઠી વિકેટ માટે ૮૦ રનની ભાગીદારી કરી ચૂકેલી આ જોડી વધુ કેટલા રન બનાવે છે એના પર આ મૅચમાં કિવીઓના ભાવિનો આધાર છે.

બ્રાઉન્લીનો જન્મ ઑસ્ટ્રેલિયામાં થયો હતો અને તેનો ઉછેર પણ એ જ દેશમાં થયો હતો. જોકે હવે તે એ દેશમાં કાંગારૂઓ સામે રમવા આવ્યો છે.

ત્રણ નવા પ્લેયરોનો સારો પ્રારંભ

ઑસ્ટ્રેલિયાએ ૨૦૦૯ પછી ફરી એક વખત એક જ ટેસ્ટમૅચમાં ત્રણ નવા પ્લેયરોને કરીઅર શરૂ કરવાનો મોકો આપ્યો હતો. બે વર્ષ પહેલાં એ સમયના કૅપ્ટન રિકી પૉન્ટિંગે ફિલિપ હ્યુઝ, માર્કસ નૉર્થ અને બેન હિલ્ફેનહાઉસને બૅગી ગ્રીન કૅપ પહેરાવી હતી. જોકે ગઈ કાલે સુકાની માઇકલ ક્લાર્કે આ સન્માન ભૂતપૂર્વ પ્લેયરોને અપાવ્યું હતું. માઇકલ સ્લેટરે ઓપનર ડેવિડ વૉર્નરને, ઍન્ડી બિકલે પેસબોલર જેમ્સ પૅટિન્સનને અને રિચી બેનૉએ લેફ્ટી પેસબોલર મિચલ સ્ટાર્કને બૅગી ગ્રીન કૅપ પહેરાવી હતી.

ગઈ કાલે કરીઅરના પ્રથમ દિવસે વૉર્નર, પૅટિન્સન અને સ્ટાર્ક ત્રણેય સારું રમ્યા હતા. વૉર્નરે બૅટ્સમેનો (બ્રેન્ડન મૅક્લમ અને જેસી રાઇડર)ના બે કૅચ પકડ્યા હતા, પૅટિન્સને કૅપ્ટન રૉસ ટેલરની વિકેટ લીધી હતી અને સ્ટાર્કે મૅક્લમ અને રાઇડરની વિકેટ લીધી હતી. ગયા અઠવાડિયે ઑસ્ટ્રેલિયા ‘એ’ સામેની પ્રૅક્ટિસ-મૅચમાં ૧૬ સિક્સર અને ૧૧ ફોર સાથે ૧૭૫ રન બનાવ્યા હતા, પરંતુ ગઈ કાલે માત્ર ૬ રનમાં આઉટ થઈ ગયો હતો.

જેમ્સ પૅટિન્સન ઑસ્ટ્રેલિયા વતી રમે છે, જ્યારે ત્રણ વર્ષ પહેલાં તેનો મોટો ભાઈ ડૅરેન ઇંગ્લૅન્ડ વતી રમ્યો હતો. બે ભાઈઓ અલગ દેશ વતી રમ્યા હોય એવું ૧૧૨ વર્ષ પછી પહેલી વાર બન્યું છે.

ઑસ્ટ્રેલિયાનું ૩૩ વર્ષે રીરન

ઑસ્ટ્રેલિયાએ ૨૦૧૧ના વર્ષમાં કુલ ૯ નવા પ્લેયરોને ટેસ્ટમાં અજમાવ્યા છે. આવું અગાઉ ૧૯૭૮માં કેરી પૅકરની વર્લ્ડ સિરીઝ ક્રિકેટ ટુર્નામેન્ટ વખતે બન્યું હતું.

કાંગારૂઓએ ચાર કૅચ છોડ્યા

ઉસમાન ખ્વાજાએ ઓપનર માર્ટિન ગપ્ટિલ (૧૩)ને બે વખત જીવતદાન આપ્યા હતા. જોકે તેણે કેન વિલિયમસન (૧૯)નો કૅચ પકડી લીધો હતો.

૩૨ રન નૉટઆઉટ રહેલા ડીન બ્રાઉન્લી માત્ર ૩ રન હતો ત્યારે પહેલાં પીટર સીડલના બૉલમાં કૅપ્ટન માઇકલ ક્લાર્કે ફસ્ર્ટ સ્લિપમાં તેનો આસાન કૅચ છોડ્યો હતો. ત્યાર બાદ નવા બોલર મિચલ સ્ટાર્કના બૉલમાં ડેવિડ વૉર્નર પૉઇન્ટ પર બ્રાઉન્લીનો અઘરો કૅચ નહોતો પકડી શક્યો.