આવતી કાલે બૉક્સિંગ-ડેથી શરૂ થશે ત્રણ ટેસ્ટ-મૅચ

25 December, 2014 06:11 AM IST  | 

આવતી કાલે બૉક્સિંગ-ડેથી શરૂ થશે ત્રણ ટેસ્ટ-મૅચ





ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં આવતી કાલથી ઑસ્ટ્રેલિયા-ઇન્ડિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ-મૅચ શરૂ થઈ રહી છે. શુક્રવારે ૨૬ ડિસેમ્બર હોવાથી આ ટેસ્ટ-મૅચ બૉક્સિંગ-ડે ટેસ્ટ તરીકે ઓળખાય છે. આ સિવાય ક્રાઇસ્ટ ચર્ચમાં ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે અને સાઉથ આફ્રિકાના પોર્ટ એલિઝાબેથમાં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પણ ટેસ્ટ મૅચ શરૂ થવાની છે.

ઑસ્ટ્રેલિયાના ઑપનિંગ બૅટ્સમૅન ડેવિડ વૉર્નરે પોતાને ફિટ જાહેર કર્યો છે અને ઈજામાંથી બહાર આવેલા ઑલરાઉન્ડર શેન વૉટ્સને પણ ગઈ કાલે ટ્રેનિંગ સેશનમાં હાજરી આપી હતી તેથી બન્ને ખેલાડી ટેસ્ટ-મૅચમાં રમશે એવી આશા છે.

ચાર ટેસ્ટ-મૅચની સીરિઝમાંથી પહેલી બે મૅચ ઑસ્ટ્રેલિયાએ જીતી લીધી છે અને બ્રિસ્બેનમાં બીજી મૅચની સેકન્ડ ઇનિંગ્સમાં ડેવિડ વૉર્નરને બૉલ વાગ્યો હતો. ગઈ કાલે વૉર્નરે કહ્યું હતું કે ‘બૉલ વાગ્યા બાદ થોડો સોજો હતો, પરંતુ હવે તકલીફ નથી અને રમવા માટે તૈયાર છું. પ્રૅક્ટિસમાં હું સ્પિનરો સામે રમ્યો હતો જેથી મને ખબર પડે કે હું બૉલને પૂરી તાકાતથી ફટકારી શકું છું કે નહીં. હજુ થોડો સોજો છે, પરંતુ થોડી તકલીફ સાથે કેમ રમવું તે મારે જોવું છે. બૉક્સિંગ-ડે મૅચમાં હું રમવા માટે ફિટ છું.’

યંગ ખેલાડી જો બન્ર્સને ત્રીજી ટેસ્ટની ઑસ્ટ્રેલિયાઈ ટીમમાં સામેલ કરાયો છે અને ૧૧ ખેલાડીમાં તે મિશેલ માર્શના બદલે રમશે. જોકે વૉર્નરના વિકલ્પરૂપે કોઈ ખેલાડીની જાહેરાત નહોતી થઈ તેથી ત્રીજી ટેસ્ટમાં તે રમશે એવી ધારણા હતી જ.

દરમ્યાન મંગળવારે નેટ પ્રૅક્ટિસમાં વૉટ્સન અને મિશેલ સ્ટાર્કને ઈજા થઈ હતી. વૉટ્સનને તો હેલ્મેટમાં બાઉન્સર વાગતાં તે થોડી વાર જમીન પર બેસી ગયો હતો, પરંતુ ગઈ કાલે પ્રૅક્ટિસમાં હાજર રહેતાં તે ફિટ જણાઈ રહ્યો છે.

ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ પહેલાં જ પ્રૅક્ટિસ મેચોમાં ઈજાગ્રસ્ત ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ગઈ કાલે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બૅટિંગની પ્રૅક્ટિસ કરી હતી. પહેલી બે ટેસ્ટ-મૅચમાં હારેલી ટીમ ઇન્ડિયામાં ભુવનેશ્વર કુમારના સમાવેશથી બોલિંગ આક્રમણ મજબૂત થવાની ધારણા છે તેમ જ તે બૅટિંગ પણ સારું કરી શકે છે. જોકે ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન વરસાદ થવાથી તે બોલિંગ નહોતો કરી શક્યો, પરંતુ તેની ફિટનેસનો નિર્ણય જલદીથી લેવાય એવી ધારણા છે.

ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ-મૅચ

ભારત-ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ-સાઉથ આફ્રિકાની જેમ આવતી કાલથી ન્યુ ઝીલૅન્ડ-શ્રીલંકા વચ્ચે પણ બૉક્સિંગ-ડે ટેસ્ટ-મૅચની શરૂઆત થશે. ન્યુ ઝીલૅન્ડમાં શ્રીલંકા બે ટેસ્ટ-મૅચની સીરિઝ રમશે જેની પહેલી ટેસ્ટ-મૅચ આવતી કાલથી ક્રાઇસ્ટચર્ચના હૅગ્લે ઑવલ મેદાનમાં રમાશે.

ઘરઆંગણે બાઉન્સી વિકેટ્સ પર ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર્સમાં ટીમમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા હોવાનું ટીમના બૅટિંગ કોચ ક્રૅગ મેકમિલને ગઈ કાલે જણાવ્યું હતું. ટ્રેન્ટ બૉલ્ટ, ટીમ સાઉથી, ડૌગ બ્રેસવેલ અને નેઇલ વૅગ્નર એમ ચારેય ફાસ્ટ બોલર્સ આખરી ઇલેવનની રેસમાં છે અને ગુરુવાર સુધીમાં સિલેક્શન થઈ જશે એમ મેકમિલને જણાવ્યું હતું.

પ્રૅક્ટિસ દરમ્યાન શૉન માર્શને હાથમાં બૉલ વાગ્યો, પરંતુ ગંભીર ઈજા નથી

ઑસ્ટ્રેલિયા-ભારત વચ્ચે આવતી કાલથી મેલબર્નમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટ-મૅચ પહેલાં ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન મિડલ ઑર્ડર બૅટ્સમૅન શૉન માર્શને ઈજા થતાં ઑસ્ટ્રેલિયા સામે ઇન્જરીની નવી મુશ્કેલી આવવાની હતી, પરંતુ તે ટળી ગઈ હતી. પ્રૅક્ટિસ દરમ્યાન ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડનો બૉલ માર્શના ડાબા હાથના ગ્લવમાં જોરદાર વાગ્યો હતો. ટીમના ડૉક્ટર પિટર બ્રુકનરે તરત જ તેને ડ્રેસિંગ રૂમમાં તપાસ્યો હતો. જોકે મિનિટો બાદ જ માર્શ ફરીથી મેદાનમાં આવતાં તેની ઇન્જરી ગંભીર ન હોવાનું કહેવાયું હતું.