ભારતના બે બૉક્સરો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં

30 July, 2012 03:50 AM IST  | 

ભારતના બે બૉક્સરો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં

ભારત માટે ઑલિમ્પિક્સમાં ગઈ કાલે સતત બીજો દિવસ એકંદરે નિરાશાજનક હતો. જોકે બન્ને બૉક્સરો વિજેન્દર સિંહ અને જય ભગવાને પોતાના બાઉટ જીતીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

વિજેન્દરે મિડલવેઇટના ૭૫ કિલોના વર્ગમાં કઝાખસ્તાનના દાનાબેક સુખાનોવ સામે ૧૪-૧૦થી અને જય ભગવાને સેશેલ દેશના ઍગ્નિકે ઑલિસૉપ સામે લાઇટવેઇટના ૬૦ કિલો વર્ગમાં ૧૮-૮થી વિજય મેળવ્યો હતો. વિજેન્દરે જીતી ગયા પછી પત્રકારોને કહ્યું હતું કે ‘૨૦૦૮ની બીજિંગ ઑલિમ્પિક્સમાં હું બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો, પરંતુ આ વખતે મારે ગમેએમ કરીને બીજા રંગનો ચંદ્રક લઈને ભારત પાછા જવું છે.’

વિજેન્દર હવે ગુરુવારે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં અમેરિકાના ટેરેલ ગુશેય સામે ટકરાશે.

ભારતનો શેમાં કેવો પફોર્ર્મન્સ?

ટેનિસ : શનિવારે સાનિયા મિર્ઝા-રશ્મિ ચક્રવર્તીની જોડી ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં ચાઇનીઝ તાઇપેઈની સુ વી સી અને ચિઆ-જુન્ગ ચુઆન્ગ સામે ૧-૬, ૬-૩, ૧-૬થી હારી જતાં ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી.

તીરંદાજી : મહિલાઓની વલ્ર્ડ નંબર વન દીપિકા કુમારીનો સમાવેશ ધરાવતી ભારતની મહિલા ટીમનો ગઈ કાલે લૉર્ડ્સના ગ્રાઉન્ડ પર ડેન્માર્ક સામેની રસાકસીભરી ઇવેન્ટમાં ૨૧૦-૨૧૧થી પરાજય થતાં ભારતીય ટીમ સ્પર્ધાની બહાર ફેંકાઈ ગઈ હતી.

બૉક્સિંગ : ૨૦૦૮ની બીજિંગ ઑલિમ્પિક્સનો બ્રૉન્ઝ-મેડલિસ્ટ વિજેન્દર સિંહ મિડલવેઇટના ૭૫ કિલોના વર્ગમાં કઝાખસ્તાનના દાનાબેક સુખાનોવ સામે ૧૪-૧૦થી જીતીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો.

ભારતના જય ભગવાને સેશેલ દેશના ઍગ્નિકે ઑલિસૉપને લાઇટવેઇટના ૬૦ કિલો વર્ગમાં ૧૮-૮થી પરાસ્ત કરીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

બૅડમિન્ટન : સિંગલ્સમાં વલ્ર્ડ નંબર ફાઇવ સાઇના નેહવાલે પ્રથમ રાઉન્ડમાં સ્વિટ્ઝરલૅન્ડની સાબ્રિના જૅકેટને માત્ર બાવીસ મિનિટમાં ૨૧-૯, ૨૧-૪થી હરાવી દીધી હતી.

રોવિંગ : સ્વર્ણસિંહે સિંગલ્સ સ્ક્લ્ઝ (રેપશાઝ)માં ચાર હરીફોની હાજરીમાં બે કિલોમીટરનું અંતર ૭ મિનિટ ૦.૪૯ સેકન્ડમાં પૂરું કરીને લાસ્ટ એઇટમાં સ્થાન મેળવ્યું હતું. લાઇટવેઇટ ડબલ સ્ક્લ્ઝના વર્ગમાં સંદીપકુમાર અને મનજિંતસિંહે હીટ્સમાં ચોથું સ્થાન મેળવ્યું હતું અને તેઓ હવે આવતી કાલે રેપશાઝ વર્ગમાં ભાગ લેશે.

ટેબલ ટેનિસ : ભારતનો સૌમ્યજિત ઘોષ ગઈ કાલે હારી જતાં આ સ્પર્ધામાં ભારતના પડકારનો અંત આવી ગયો છે. તેનો નૉર્થ કોરિયાના યૉક બૉન્ગ કિમ સામે ૧૧-૯, ૬-૧૧, ૫-૧૧, ૯-૧૧, ૭-૧૧થી પરાજય થયો હતો. શનિવારે ટેબલ ટેનિસમાં ભારતની એકમાત્ર મહિલાપ્લેયર અંકિતા દાસ હારી ગઈ હતી.

શૂટિંગ : મહિલાઓની ૧૦ મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં હીના સિધુ અને અનુ રાજ સિંહ હારી જતાં ફાઇનલ્સ માટે ક્વૉલિફાય નહોતી થઈ શકી. હીના ૧૨મા નંબર પર અને અનુ ૨૩મા સ્થાને રહી હતી.

આજે ઑલિમ્પિક્સમાં ભારતની કઈ હરીફાઈઓ?

બૅડમિન્ટન

મહિલા સિંગલ્સ (ગ્રુપ ‘ઇ’ મૅચ): સાઇના નેહવાલ (ભારત) V/S ટૅન લિઍન (બેલ્જિયમ), રાત્રે ૧૧.૦૦

મહિલા ડબલ્સ (ગ્રુપ ‘બી’ મૅચ): જ્વાલા ગુટ્ટા-અશ્વિની પોનપ્પા (ભારત) V/S વેન સિન્ગ ચેન્ગ-યુ ચિન ચીએન (ચાઇનીઝ તાઇપેઈ), રાત્રે ૧૧.૩૫

બૉક્સિંગ

પુરુષોનો રાઉન્ડ નંબર-૩૨ (૮૧ કિલો) : સુમીત સંગવાન (ભારત) V/S યામાગુચી ફાલ્કાઓ (બ્રાઝિલ), રાત્રે ૯.૩૦

શૂટિંગ

પુરુષોની ૧૦ મીટર ઍર રાઇફલ (ક્વૉલિફિકેશન રાઉન્ડ) : ગગન નારંગ અને અભિનવ બિન્દ્રા, બપોરે ૧.૩૦થી. ફાઇનલ રાઉન્ડ : સાંજે ૪.૪૫

તીરંદાજી

મહિલાઓનો ઇન્ડિવિજ્યુઅલ રાઉન્ડ: લાઇશ્રામ બૉમ્બાયલા દેવી (ભારત) V/S સારા ઇવાનગેલીયા (ગ્રીસ), બપોરે ૩.૩૦

હૉકી

પ્રીલિમિનરી રાઉન્ડ : ભારત V/S નેધરલૅન્ડ્સ, રાત્રે ૮.૨૦

નોંધ : (૧) તમામ ભારતીય સમય દર્શાવવામાં આવ્યા છે. (૨) ઑલિમ્પિક્સનું લાઇવ કવરેજ ઈએસપીએન, ઈએસપીએન એચડી, સ્ટાર સ્પોર્ટ્સ અને ડીડી સ્પોર્ટ્સ પર માણવા મળશે.