રેફરીઓ અને નિર્ણાયકોની પક્ષપાતી નીતિને કારણે એકેય મેડલ ન મળ્યો : વિજેન્દર સિંહ

10 August, 2012 08:14 AM IST  | 

રેફરીઓ અને નિર્ણાયકોની પક્ષપાતી નીતિને કારણે એકેય મેડલ ન મળ્યો : વિજેન્દર સિંહ

 

 

લંડન ઑલિમ્પિક્સમાંથી ભારતના સાત પુરુષ બૉક્સરો તો એક પણ મેડલ ન લાવી શક્યા, પણ એકમાત્ર મહિલા બૉક્સર એમ. સી. મૅરી કૉમે બ્રૉન્ઝ જીતીને દેશની લાજ રાખી છે. જોકે પરાજિત સાતમાંથી ચાર મુક્કાબાજોએ પૉઇન્ટ આપવાની રેફરીઓની તેમ જ જજોની પક્ષપાતી નીતિને કારણે હાર જોવી પડી હતી.

 

૭૫ કિલો મિડલવેઇટ કૅટેગરીની ક્વૉર્ટર ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના ઍબોઝ ઍટોવ સામે હારી જનાર ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન વિજેન્દર સિંહે ગઈ કાલે લંડનથી ભારતીય પત્રકારોને કહ્યું હતું કે ‘૨૦૦૮ની બીજિંગ ઑલિમ્પિક્સ કરતાં આ વખતે આપણા બૉક્સરોનો પફોર્ર્મન્સ બહુ સારો હતો, પરંતુ રેફરીઓ તેમ જ નિર્ણાયકોની પક્ષપાતી નીતિને કારણે બૉક્સરોના નૈતિક જુસ્સા પર ખરાબ અસર થઈ હતી. હું મારી વાત કરું તો મેં ૧૦૦ ટકા ક્ષમતા સાથે પફોર્ર્મ કર્યું હતું અને એટલે મને હારી જવા બદલ કોઈ અફસોસ નથી થતો.’

 

વિજેન્દરે લંડન ઑલિમ્પિક્સમાં અન્યાયનો શિકાર થયેલા ભારતીય બૉક્સરોની વાત કરતા કહ્યું હતું કે ‘૮૧ કિલો વર્ગમાં સુમીત સાંગવાન પ્રથમ રાઉન્ડમાં પક્ષપાતી નીતિને લીધે પરાજિત ઘોષિત થયો હતો અને પછી ભારતની અપીલ પણ નકારી દેવામાં આવી હતી. ૬૯ કિલોની કૅટેગરીની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં વિકાસ ક્રિષ્નનને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકાના હરીફ બૉક્સરની અપીલ પછી તેને પરાજિત બનાવી દેવામાં આવ્યો હતો. ૬૪ કિલો વર્ગમાં ઇંગ્લૅન્ડના થૉમસ સ્ટૉકર સામે કૉમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ-મેડલિસ્ટ મનોજ કુમારનું લગભગ આખા બાઉટ દરમ્યાન વર્ચસ્વ હતું, પરંતુ તેને ઓછા પૉઇન્ટ આપતા રહીને છેવટે પરાજિત ઘોષિત કરવામાં આવ્યો હતો. આ પક્ષપાતને કારણે મનોજ કુમારે ‘ચીટિંગ... ચીટિંગ... ચીટિંગ...’ની બૂમો પાડી હતી. છેલ્લે બુધવારે રાત્રે લૈશરામ દેવેન્દ્રો સિંહ પણ અન્યાયી સ્કોરિંગ સિસ્ટમનો ભોગ બન્યો હતો.’