મહિલા બૉક્સર સરિતા દેવી પરના પ્રતિબંધને કારણે ભારે નારાજગી

23 October, 2014 06:37 AM IST  | 

મહિલા બૉક્સર સરિતા દેવી પરના પ્રતિબંધને કારણે ભારે નારાજગી




ઇંચિયોન એશિયન ગેમ્સની સેમી ફાઇનલના વિવાદાસ્પદ નિર્ણય બાદ બ્રૉન્ઝ મેડલ સ્વીકારવાનો ઇનકાર કરનાર ભારતીય મહિલા બૉક્સર સરિતા દેવી પર ઇન્ટરનૅશનલ બૉક્સિંગ અસોસિએશને અસ્થાયી પ્રતિબંધ મૂક્યો છે એટલું જ નહીં, તેમના કોચ ગુરુબક્ષસિંહ સંધુ, બી. આઇ. ફર્નાન્ડિસ તથા સાગર ધયાલ તથા ઇંચિયોન એશિયાડમાં ભારતીય ખેલાડીઓના પ્રતિનિધિમંડળના પ્રભારી આદિલ સુમારીવાલા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મંગળવારે લેવામાં આવેલા નિર્ણય મુજબ ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ કોરિયામાં ૧૩ નવેમ્બરથી આયોજિત વિમેન્સ વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઉપરાંત અન્ય સ્પર્ધાઓમાં પણ ભાગ નહીં લઈ શકે.

શું થયું હતું?

ઇંચિયોનની સેમી ફાઇનલમાં ૬૦ કિલોગ્રામ વર્ગમાં સાઉથ કોરિયાની ખેલાડી જિના પાર્ક સામેની મૅચમાં સરિતા દેવીએ સારો દેખાવ કર્યો હોવા છતાં તેને પરાજિત જાહેર કરવામાં આવી હતી. પરિણામે મેડલ વિતરણ સમારંભ દરમ્યાન નારાજ સરિતા દેવીએ બ્રૉન્ઝ મેડલ પહેરવાને બદલે આ મેડલ જિના પાર્કને આપી દીધો હતો. જોકે ત્યાર બાદ તેણે આયોજકો સમક્ષ લેખિતમાં માફી પણ માગી લીધી હતી.

વિજેન્દરે દર્શાવ્યો વિરોધ

બૉક્સર અસોસિએશનના નિર્ણયની સામે ઑલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર વિજેન્દર સિંહે હતું કે ઘણી વખત ખેલાડીઓ ગુસ્સામાં ભૂલ કરી બેસે છે. સરિતાએ લેખિતમાં માફી માગી હોવા છતાં તેના પર આવી કાર્યવાહી શા માટે? સરિતા થોડી લાગણીશીલ થઈ ગઈ હતી. એમ છતાં તેના પર પ્રતિબંધ મુકાવો ન જોઈએ. ભારતીય ઑલિમ્પિક સંઘ તથા અસોસિએશને સરિતાનું સમર્થન કરવું જોઈએ. ભૂતપૂર્વ સ્પોર્ટ્સ મિનિસ્ટર અજય માકને આ નિર્ણયને બહુ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.

ઇન્ટરનૅશનલ ફોરમમાં રજૂઆત કરાશે : સોનોવાલ

બૉક્સર સરિતા દેવી પર મૂકવામાં આવેલા પ્રતિબંધને મામલે સ્પોર્ટ્સ મિનિસ્ટર સર્વાનંદ સોનોવાલે કહ્યું હતું કે તેમણે ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનને આ મામલો ઇન્ટરનૅશનલ ફોરમમાં ઉઠાવવા તથા ભારતીય બૉક્સર પર મૂકવામાં આવેલા પ્રતિબંધને હટાવવાના મામલે કાર્યવાહી કરવા સૂચના આપી છે. ખેલાડીના હિત માટે આ મામલે કાર્યવાહી કરવી પડશે. વળી દેશ માટે પણ એ ખૂબ જરૂરી છે.