સરિતાદેવીને આપવામાં આવશે તેનો બ્રૉન્ઝ મેડલ

03 October, 2014 06:15 AM IST  | 

સરિતાદેવીને આપવામાં આવશે તેનો બ્રૉન્ઝ મેડલ



ભારતીય પ્રતિનિધિમંડળના પ્રમુખ આદિલ સુમરીવાલાએ કહ્યું હતું કે ‘હું સવારે ઑલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા (OCA)ની વર્કિંગ ગ્રુપની સુનાવણીમાં હાજર રહ્યો હતો અને જે ઘટના બની એ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. મેં કહ્યું હતું કે લાગણીશીલ થઈ જવાને કારણે આવું બન્યું હતું. આવતી કાલે સવાર સુધી અમને ચંદ્રક મળી જશે. બીજી તરફ OCAના અધિકારીએ જણાવ્યા પ્રમાણે સરિતાદેવીએ જે પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો એ જોતાં તેનામાં સ્પોર્ટ્સમૅનશિપનો અભાવ વર્તાતો હતો.

૩૦ સપ્ટેમ્બરે ૬૦ કિલોગ્રામ વર્ગની સ્પર્ધાની સેમી ફાઇનલમાં સાઉથ કોરિયાની જિના પાર્ક પર સરિતાદેવી હાવી હતી, પરંતુ જજોએ તેને હારેલી જાહેર કરતાં તેને ગોલ્ડ મેડલ જીતવાની તક નહોતી મળી. મેડલ વિતરણ સમારોહ દરમ્યાન સરિતાદેવીએ બ્રૉન્ઝ મેડલ લીધો. તે એને ગળામાં પહેરવાને બદલે સિલ્વર મેડલ વિજેતા જિના પાર્કના હાથમાં આપીને પોડિયમ પરથી નીચે ઊતરી ગઈ હતી. ત્યાર બાદ એ મેડલ આયોજકોએ પોતાની પાસે મૂકી રાખ્યો હતો. સરિતા વિરુદ્ધ ઇન્ટરનૅશનલ બૉક્સિંગ અસોસિએશન પ્રતિબંધ મૂકે એવી પણ શક્યતા છે.