બોલરો છે મજૂર અને બૅટ્સમેનો અધિકારી : કપિલ

19 November, 2012 03:51 AM IST  | 

બોલરો છે મજૂર અને બૅટ્સમેનો અધિકારી : કપિલ



ગુવાહાટી : દેશમાં મોટા ભાગના યુવાનો બોલિંગને બદલે બૅટિંગ વધુ પસંદ કરતા હોય છે અને એને બીજા અર્થમાં કહીએ તો તેમને બોલર કરતાં બૅટ્સમૅન બનવાનું વધુ ગમતું હોય છે એવી ટકોર ૧૯૮૩ વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટન કપિલ દેવે ગઈ કાલે અહીં એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ, તેમનાં પૅરન્ટ્સ અને સ્કૂલના શિક્ષકોને સંબોધતા કરી હતી.

દેશમાં ફાસ્ટ બોલરોની અછત કેમ છે? એવા સવાલના જવાબમાં કપિલે કહ્યું હતું કે ‘આજે બોલર બનવાનું કોને પસંદ છે? દરેકને સચિન તેન્ડુલકર, વીરેન્દર સેહવાગ, મહેન્દ્ર સિંહ ધોની અને ગૌતમ ગંભીર બનવું છે. મારા મતે આપણા દેશમાં બોલરોની ગણના મજૂર જેવી અને બૅટ્સમેનોની અધિકારી જેવી છે. વર્કર બનવું કોને ગમે? બધાને ઑફિસર બનવાની ઇચ્છા હોય છે.’

ટેસ્ટક્રિકેટમાં ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કપિલે પછીથી પત્રકારો સાથેની વાતચીતમાં એવું પણ કહ્યું હતું કે જો કોઈ બોલર પાંચ વિકેટ લે તો તેની વાહ-વાહ સેન્ચુરી કરનાર બૅટ્સમૅન જેટલી નથી થતી હોતી.

બાળકોને ચૅમ્પિયન કૅપ્ટનની સોનેરી સલાહ

કપિલે બીજા પ્લેયરોની નકલ કરવાને બદલે પોતાની અલગ અને અનેરી છાપ ઊભી કરવાની સલાહ આપતાં કહ્યું હતું કે ‘હું ક્યારેય કોઈનો ઑટોગ્રાફ લેવામાં નહોતો માનતો. લોકો મારો ઑટોગ્રાફ લેવા આવે એવું કંઈક કરી દેખાડવાનો અભિગમ મેં નાનપણથી રાખ્યો હતો અને એમાં હું સફળ થયો હતો.’

સચિનની ૩૦ વર્ષની કરીઅર માટે શુભેચ્છા

સચિને ૨૦૧૧ના વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લઈ લેવી જોઈતી હતી એવી અગાઉ કમેન્ટ કરીને વિવાદ સર્જનાર કપિલે ગઈ કાલે કહ્યું હતું કે ‘માસ્ટર બ્લાસ્ટરને ૨૩ વર્ષની કારકિર્દી પૂરી કરતો જોઈને મને બેહદ આનંદ થયો છે. હું ઇચ્છું છું કે તે બીજા ૭ વર્ષ રમીને ૩૦ વર્ષની કરીઅર પૂરી કરે’