બૉમ્બે હાઈ કોર્ટે ક્રિકેટ બોર્ડને હમણાં નવું ટેન્ડર બહાર પાડવાની ના પાડી

18 September, 2012 06:54 AM IST  | 

બૉમ્બે હાઈ કોર્ટે ક્રિકેટ બોર્ડને હમણાં નવું ટેન્ડર બહાર પાડવાની ના પાડી


કોર્ટે ડેક્કન ચાર્જર્સની માલિકી ધરાવતી કંપની ડેક્કન ક્રૉનિકલ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (ડીસીએચએલ)ની પીટિશન પરની સુનાવણી મુલતવી રાખી હતી અને એ સાથે ક્રિકેટ બોર્ડને ડેક્કનની બદલીમાં નવી ટીમની હરાજીને લગતું નવું ટેન્ડર બહાર પાડવાની મનાઈ પણ કરી હતી. કોર્ટે બોર્ડને હમણાં જૈસે થેની સ્થિતિ જાળવી રાખવા કહ્યું હતું. બોર્ડે ગઈ કાલે અસંખ્ય પાના ધરાવતી ઍફિડેવિટ નોંધાવી હતી એનો અભ્યાસ કરવા માટે ડીસીએચએલે થોડો સમય માગ્યો હતો.

બોર્ડને નવું ટેન્ડર હમણાં બહાર ન પાડવાનું કહેનાર જસ્ટિસ એસ. જે. કાથાવાલાએ કોર્ટમાં સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે મેં ડેક્કનનો કૉન્ટ્રૅક્ટ રદ કરતા બોર્ડના નિર્ણય સામે સ્ટે નથી આપ્યો.

૧૦ શહેરોને નવી ટીમમાં રસ

ડેક્કન ચાર્જર્સનો કરાર રદ થતાં અમદાવાદ અને રાજકોટ સહિત ૧૦ શહેરોએ નવા બહાર પડનારા ટેન્ડર માટે રસ બતાવ્યો છે. બીજા આઠ શહેરોમાં વિશાખાપટ્ટનમ, રાંચી, કાનપુર, જમશેદપુર, કટક, ધરમશાલા, ઇન્દોર અને નાગપુરનો સમાવેશ છે.