બોલ્ટને ૨૦૦ મીટરની રેસમાં ૧૯ સેકન્ડની મર્યાદા ઓળંગવી છે

08 August, 2012 05:53 AM IST  | 

બોલ્ટને ૨૦૦ મીટરની રેસમાં ૧૯ સેકન્ડની મર્યાદા ઓળંગવી છે

લંડન ઑલિમ્પિક્સમાં ૧૦૦ મીટરની ફાસ્ટેસ્ટ દોડમાં ૯.૬૩ સેકન્ડના ટાઇમિંગ સાથે ગોલ્ડ મેડલ જીતનાર જમૈકાના ઉસેન બોલ્ટને હવે ૨૦૦ મીટરની તેની બીજી પ્રિય દોડની આવતી કાલની ફાઇનલ (ઈએસપીએન પર આવતી કાલે મધરાત પછી ૧.૨૫ વાગ્યે)માં ૧૯ સેકન્ડની મર્યાદા ઓળંગવી છે.

૨૦૦૮ની બીજિંગ ઑલિમ્પિક્સમાં બોલ્ટે ૨૦૦ મીટરનું અંતર ૧૯.૩૦ સેકન્ડમાં પાર કરીને ઑલિમ્પિક્સનો નવો વિક્રમ સ્થાપ્યો હતો. જોકે ૨૦૦૯ની સાલમાં તેણે ૧૯.૧૯ સેકન્ડના સમય સાથે વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો હતો. હવે તેને ૨૦૦ મીટરનું અંતર ૧૯.૦૦ સેકન્ડની અંદર પૂરું કરીને નવો ઇતિહાસ સર્જવો છે.

ગઈ કાલે લંડનમાં ૨૦૦ મીટરની રેસનો પ્રાથમિક રાઉન્ડ યોજાયો હતો જેમાં બોલ્ટને એટલું અંતર કાપતાં ૨૦.૩૯ સેકન્ડનો સમય લાગ્યો હતો. જોકે તે અને તેના દેશના યોહાન બ્લેક (૨૦.૩૮ સેકન્ડ) સહિત ટોચના ૨૪ દોડવીરો આજની સેમી ફાઇનલ (ઈએસપીએન પર મધરાત પછી ૧૨.૪૦) માટે ક્વૉલિફાય થયા હતા.

બોલ્ટે ૧૦૦ મીટરની દોડમાં યોહાન બ્લેકને બીજા નંબર પર રાખી દીધા પછી હવે પોતાની ફેવરિટ ૨૦૦ મીટર દોડમાં પણ નિરાશ થવા માટે તૈયાર રહેવાની સલાહ આપી દીધી છે.