ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ-મૅચ કિવીઓના કન્ટ્રોલમાં, કૅરિબિયનો સામે ૪૮૧ રનની લીડ મેળવી

05 December, 2025 04:03 PM IST  |  New Zealand | Gujarati Mid-day Correspondent

ત્રીજા દિવસના અંતે રચિન રવીન્દ્રના ૧૭૬ રનના અને ટૉમ લૅધમના ૧૪૫ રનના આધારે યજમાન ટીમનો બીજી ઇનિંગ્સનો સ્કોર ૪૧૭-૪ થયો

કૅપ્ટન ટૉમ લૅધમે ૨૫૦ બૉલમાં ૧૨ ફોરની મદદથી ૧૪૫ રન કરીને ૧૪મી ટેસ્ટ-સદી નોંધાવી અને રચિન રવીન્દ્રએ ૨૭ ફોર અને એક સિક્સરની મદદથી ૧૮૫ બૉલમાં ૧૭૬ રન કર્યા.

ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે ૪૮૧ રનની લીડ મેળવીને ન્યુ ઝીલૅન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી ટેસ્ટ-મૅચ પર કન્ટ્રોલ મેળવી લીધો છે. ત્રીજા દિવસના અંત સુધીમાં યજમાન ટીમે રચિન રવીન્દ્ર અને ટૉમ લૅધમની શાનદાર સદીના આધારે બીજી ઇનિંગ્સમાં ૯૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૪૧૭ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં કિવીઓએ ઑલઆઉટ થઈને ૨૩૧ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં માત્ર ૧૬૭ રન કરી શકનાર વેસ્ટ ઇન્ડીઝે અંતિમ બે દિવસની રમતમાં ૫૦૦+ રનના ટાર્ગેટ સામે સંઘર્ષ કરવો પડશે. 
યજમાન ટીમે ત્રીજા દિવસે આઠમી ઓવરમાં ૩૨-૦ રનના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ ધપાવી હતી. ઓપનર ડેવોન કૉન્વેએ ૭૮ બૉલમાં ૩૭ રન અને અનુભવી બૅટર કેન વિલિયમસને ૨૮ બૉલમાં ૯ રન કરીને વિકેટ ગુમાવી હતી. ૩૩મી ઓવરમાં જ્યારે સ્કોર ૧૦૦-૨ હતો ત્યાંથી યંગ બૅટર રચિન રવીન્દ્ર અને ઓપનર ટૉમ લૅધમે ત્રીજી વિકેટ માટે ૩૨૮ બૉલમાં ૨૭૯ રનની ભાગીદારી કરી હતી. એ કિવીઓ તરફથી વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી વિકેટની હાઇએસ્ટ ભાગીદારી પણ હતી. 
કૅપ્ટન ટૉમ લૅધમે ૨૫૦ બૉલમાં ૧૨ ફોરના આધારે ૧૪૫ રન કરીને ૧૪મી ટેસ્ટ-સદી સાથે ૬૦૦૦ ટેસ્ટ-રન પણ પૂરા કર્યા હતા, જ્યારે ભારતીય મૂળના રચિન રવીન્દ્રએ ૨૭ ફોર અને એક સિક્સરની મદદથી ૧૮૫ બૉલમાં ૧૭૬ રન કર્યા હતા. તેણે પોતાની ચોથી ટેસ્ટ-સદી નોંધાવી હતી. વિલ યંગ ૧૫ બૉલમાં ૨૧ રન અને માઇકલ બ્રેસવેલ ૧૪ બૉલમાં ૬ રન કરીને પિચ પર દિવસના અંતે નૉટઆઉટ રહ્યા હતા.

new zealand cricket news rachin ravindra test cricket sports news sports west indies