19 June, 2025 08:33 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશી (જમણે) સાથે અયાન રાજ.
ક્રિકેટજગત હાલમાં જ ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીની પ્રતિભાથી પ્રભાવિત થયું હતું ત્યાં બિહારના વધુ એક વન્ડર બૉયે સૌનું ધ્યાન ખેંચ્યું છે. વૈભવ સૂર્યવંશીનો જ ૧૩ વર્ષનો મિત્ર અયાન રાજ સ્થાનિક લીગમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારીને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વૈભવની સાથેના તેના ભૂતકાળના કેટલાક ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.
મુઝફ્ફરપુરના આ યંગ ક્રિકેટરે જિલ્લા ક્રિકેટ લીગની ૩૦ ઓવરની એક મૅચમાં સંસ્કૃતિ ક્રિકેટ ઍકૅડેમી માટે ૧૩૪ બૉલમાં અણનમ ૩૨૭ રન ફટકાર્યા હતા. તેણે ૨૨૦.૮૯ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૧ ફોર અને બાવીસ સિક્સ ફટકારી હતી એટલે કે ૨૯૬ રન તેણે માત્ર બાઉન્ડરીથી મેળવ્યા હતા. વૈભવની જેમ તે પણ ભવિષ્યમાં IPL જેવી મોટી ટુર્નામેન્ટમાં નાની ઉંમરે એન્ટ્રી કરે એ શક્યતાને નકારી શકાય નહીં.