28 October, 2025 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાથી-પ્લેયર્સનો સહારો લઈને મેદાનની બહાર ગઈ હતી પ્રતીકા રાવલ.
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ના નૉકઆઉટ રાઉન્ડ પહેલાં ભારતીય ઓપનર પ્રતીકા રાવલ ગંભીર ઇન્જરીને કારણે આઉટ થઈ ગઈ છે. રવિવારે બંગલાદેશ સામેની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન તેના ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. તેના સ્થાને ભારતીય સ્ક્વૉડમાં યંગ ઓપનર શફાલી વર્માની વાપસી થઈ છે. વર્લ્ડ કપ પહેલાં તેને ટીમમાં સ્થાન ન મળતાં સૌથી વધારે ચર્ચા થઈ હતી.
પ્રતીકા જે રીતે પડી ગઈ એનાથી સ્પષ્ટ થઈ ગયું કે તે નૉકઆઉટ મૅચો માટે ઉપલબ્ધ રહેશે નહીં. ઇન્જરીની ગંભીરતા તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી. તે હાલના વર્લ્ડ કપમાં ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના બાદ સૌથી વધુ રન કરનારી બૅટર છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન શાનદાર ફૉર્મમાં રહીને તેણે ૬ ઇનિંગ્સમાં ૫૧.૩૩ની સરેરાશથી ૩૦૮ રન બનાવ્યા છે. એક સદી અને એક ફિફટી ફટકારનાર આ ઓપનર બંગલાદેશ સામેની મૅચમાં બીજી ઇનિંગ્સ દરમ્યાન બૅટિંગ કરવા આવી શકી નહોતી.
શફાલીનો વન-ડે રેકૉર્ડ કેવો છે?
૨૧ વર્ષની શફાલી વર્મા છેલ્લે ૨૦૨૪ની ૨૯ ઑક્ટોબરે ભારત માટે અંતિમ વન-ડે મૅચ રમી હતી. તેણે ૨૯ વન-ડેમાં ૪ ફિફ્ટીના આધારે ૬૪૪ રન કર્યા છે. તેણે ૨૦૨૧માં આ ફૉર્મેટમાં સ્મૃતિ માન્ધના સાથે ઓપનિંગ પોઝિશન પર બૅટિંગ કરી છે. તેના કેટલાક સાધારણ પ્રદર્શનને કારણે પ્રતીકા રાવલે ગયા વર્ષે ટીમમાં એન્ટ્રી કરીને ઓપનરનું સ્થાન મેળવી લીધું હતું.