ભુવીએ કલાકે ૨૦૮ કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યો? ચાહકો ચોંકી ગયા

29 June, 2022 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વિંગ-સ્પેશ્યલિસ્ટ ભુવનેશ્વર કુમારે રવિવારે ડબ્લિનમાં આયરલૅન્ડ સામેની પ્રથમ ટી૨૦માં એક બૉલ પોતાની સાધારણ સ્પીડમાં જ ફેંક્યો હતો

ભુવીએ કલાકે ૨૦૮ કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યો? ચાહકો ચોંકી ગયા

સ્વિંગ-સ્પેશ્યલિસ્ટ ભુવનેશ્વર કુમારે રવિવારે ડબ્લિનમાં આયરલૅન્ડ સામેની પ્રથમ ટી૨૦માં એક બૉલ પોતાની સાધારણ સ્પીડમાં જ ફેંક્યો હતો, પરંતુ સ્પીડોમીટર પર તેના એ બૉલની ઝડપ કલાકે ૨૦૮ કિલોમીટરની બતાવાતાં કૉમેન્ટેટરો તેમ જ પ્રેક્ષકો અને ટીવી-દર્શકો ચોંકી ઊઠ્યા હતા. ૩ ઓવરમાં ૧૬ રનના ખર્ચે એક વિકેટ લેનાર ભુવીએ પોતાના સ્પેલ દરમ્યાન (સ્પીડોમીટર મુજબ) બે વખત કલાકે ૨૦૦ કિલોમીટરનો આંક વટાવ્યો હોવાનું બતાવાયું હતું. હકીકતમાં સ્પીડોમીટરમાં ખામી સર્જાઈ હતી જેને કારણે બૉલની ખોટી સ્પીડ બતાવવામાં આવી હતી.
શોએબ અખ્તરના કલાકે ૧૬૧.૩ કિલોમીટરની ઝડપવાળા બૉલનો વર્લ્ડ રેકૉર્ડ છે. ભારતના ઉમરાન મલિકે તાજેતરની આઇપીએલમાં ૧૫૭-પ્લસની ઝડપે બૉલ ફેંક્યો હતો. જોકે ૧૫૦ની આસપાસની ઝડપે બૉલ ફેંકતા ભુવીને બગડેલા સ્પીડોમીટરે અચાનક ચમકાવી દીધો હતો.

ભુવીના ચાહકોએ શું પ્રતિક્રિયા આપી?

ક્રિકેટચાહકો ભુવીના બૉલની ઝડપને ૨૦૮ કિલોમીટરની બતાવાતાં ચોંકી ગયા હતા. ટ્વિટર પર એક ચાહકે કટાક્ષમાં લખ્યું, ‘શોએબ અખ્તરની ઐસીતૈસી. ભુવીને અભિનંદન.’ બીજા ક્રિકેટલવરે લખ્યું, ‘આપણા ભુવીએ આજે રૉકેટ લૉન્ચ કર્યું.’ ત્રીજાએ લખ્યું, ‘ભુવી બૉલ ઇતના તેજ ડાલ રહા હૈ તો ઉમરાન મલિક તો ૪૦૦ કી સ્પીડ સે ડાલેગા!’ ચોથાએ લખ્યું, ‘શોએબ અને ઉમરાનને ભૂલી જાઓ, ભુવીએ હમણાં જ ફાસ્ટેસ્ટ બૉલ ફેંક્યો છે.’

sports news cricket news bhuvneshwar kumar