રણજીના વિક્રમસર્જકનું બર્થ-ડેના આગલા દિવસે અવસાન

12 December, 2012 06:33 AM IST  | 

રણજીના વિક્રમસર્જકનું બર્થ-ડેના આગલા દિવસે અવસાન



કોલ્હાપુર : ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૪૪૩ નૉટઆઉટનો હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર અને વિશ્વભરની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ચોથા નંબરનો સ્કોર ધરાવતા ભાઉસાહેબ નિમ્બાળકરનું ગઈ કાલે લાંબી માંદગી બાદ કોલ્હાપુરમાં તેમના નિવાસસ્થાનમાં અવસાન થયું હતું. તેમણે ગઈ કાલે ૯૨ વર્ષ પૂરાં કર્યા હતા અને જો તેઓ જીવંત હોત તો આજે તેમણે ૯૩મા વર્ષમાં પ્રવેશ કર્યો હોત.

નિમ્બાળકર રાઇટી બૅટ્સમૅન હતા અને તેમણે અણનમ ૪૪૩ રન ૧૯૪૮માં પુણેમાં મહારાષ્ટ્ર વતી કાઠિયાવાડની ટીમ સામે બનાવ્યા હતા. એ સમયે તેમના અણનમ ૪૪૩ રન ઑસ્ટ્રેલિયાના મહાન ખેલાડી ડૉન બ્રૅડમૅનના ૪૫૨ નૉટઆઉટ પછીનો બીજો હાઇએસ્ટ સ્કોર હતો એટલે તેમને બીજા બ્રૅડમૅન તરીકે ઓળખાવવામાં આવતા હતા. ખુદ બ્રૅડમૅને નિમ્બાળકરને પત્રમાં લખ્યું હતું કે હું મારી ઇનિંગ્સ કરતાં તમારી ઇનિંગ્સને વધુ સારી ગણું છું.

નિમ્બાળકર એ મૅચમાં ૪૪૩ રને અણનમ હતા અને બ્રૅડમૅનનો ૪૫૨ નૉટઆઉટનો રેકૉર્ડ નહોતા તોડી શક્યા. એ દિવસે મહારાષ્ટ્રના ૪ વિકેટે ૮૨૬ રન હતા ત્યારે કાઠિયાવાડની ટીમે મૅચ જતી કરી દીધી હતી.

નિમ્બાળકર મહારાષ્ટ્ર ઉપરાંત હોલકર, બરોડા, રાજસ્થાન અને રેલવે વતી પણ રમ્યા હતા. તેમણે ૧૯૩૯થી ૧૯૬૫ દરમ્યાન ૮૦ મૅચમાં ૧૨ સદીની મદદથી ૫૨.૦૧ની બૅટિંગઍવરેજે ૪૫૭૭ રન બનાવ્યા હતા. તેઓ પેસબોલર પણ હતા અને ૫૮ વિકેટ પણ લીધી હતી. તેઓ વિકેટકીપિંગ પણ કરતા હતા.