ટિનોના બેસ્ટ પર્ફોમન્સથી કૅરિબિયનોની જીત

18 November, 2012 04:19 AM IST  | 

ટિનોના બેસ્ટ પર્ફોમન્સથી કૅરિબિયનોની જીત



મીરપુર : બંગલા દેશને ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમૅચ જીતીને મોટી હરીફ ટીમ સામે પ્રથમ ટેસ્ટજીત મેળવવાનો સારો મોકો હતો, પરંતુ એના બદલે બંગલા દેશીઓ મૅચને ડ્રૉ પણ નહોતા કરાવી શક્યા અને છેવટે ૭૭ રનથી હારી બેઠા હતા.

વેસ્ટ ઇન્ડીઝ બીજા દાવમાં ૨૭૩ રને ઑલઆઉટ થતાં બંગલા દેશને જીતવા ૨૪૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો પણ આ યજમાન ટીમ માત્ર ૧૬૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. છેલ્લા સાત વર્ષમાં માત્ર નવ ટેસ્ટમૅચ રમેલા ૩૧ વર્ષના ફાસ્ટ બોલર ટિનો બેસ્ટે ફક્ત ૨૪ રનમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે પહેલી વાર પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી. ટેસ્ટની ફૉર્થ ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડિયન બોલરોમાં તેનો આ પર્ફોમન્સ વૅનબર્ન હોલ્ડર પછીનો સેકન્ડ-બેસ્ટ છે. વૅનબર્ને ૧૯૭૫માં મુંબઈની ટેસ્ટમાં ૩૯ રનમાં છ વિકેટ લીધી હતી.

નવા લેફ્ટી સ્પિનર વીરાસામી પરમૉલે ત્રણ અને રવિ રામપૉલે બે વિકેટ લીધી હતી. બન્ને ઇનિંગ્સમાં સેન્ચુરી બનાવવાની બ્રાયન લારા અને ગૉર્ડન ગ્રિનિજ જેવી સિદ્ધિ મેળવનાર કાઇરન પોવેલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.