ચૅરિટી માટે ભંડોળ ભેગું કરવા બેન સ્ટોક્સ દોડ્યો હાફ મૅરથૉન

06 May, 2020 11:29 AM IST  |  London | Agencies

ચૅરિટી માટે ભંડોળ ભેગું કરવા બેન સ્ટોક્સ દોડ્યો હાફ મૅરથૉન

બેન સ્ટોક્સ

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ ગઈ કાલે એક ચૅરિટી માટે હાફ મૅરથૉન દોડ્યો હતો. આ તેની પહેલી હાફ મૅરથૉન હતી. બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસિસ (એનએચએસ), ચૅરિટીઝ ટુગેધર અને ચૅરિટી ટુ શાઇન માટે તે દોડ્યો હતો. આ વિશે મૅરથૉન યોજાઈ એ પહેલાં સ્ટોક્સે કહ્યું કે ‘હું હંમેશાં હાફ મૅરથૉન દોડવા ઇચ્છતો હતો, પણ ક્યારેય એની તક મને નહોતી મળી. આ લૉકડાઉનના સમયમાં મને બહાર જવાની તક મળી અને આ મૅરથૉન દોડીને હું જરૂરથી ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરીશ. ક્રિકેટ ગાર્ડન મૅરથૉન દ્વારા લોકોને હું ભંડોળ આપવા માટે પ્રેરિત કરી શકું એવી આશા રાખું છું. હું માત્ર તેમને ભંડોળ જમા કરાવવામાં મદદ કરું છું. એ લોકો એનએચએસ અને ચૅરિટી ટુ શાઇનને સપોર્ટ કરે છે જે ક્રિકેટની ઘણી નજીક છે. મેં કોઈ પણ પ્રકારની પ્રૅક્ટિસ નથી કરી. હું લાંબામાં લાંબું ૮ કિલોમીટર સુધી દોડ્યો છું, પરંતુ કદાચ હું આ મૅરથૉન પૂરી કરી શકીશ. એક પૉઇન્ટ પર કદાચ મને એવું લાગશે કે હું નહીં દોડી શકું તો ત્યારે હું એ યાદ કરીશ કે હું આ સારા કામ માટે કરી રહ્યો છું અને એનાથી હું ફિનિશ લાઇન સુધી તો જરૂર પહોંચીશ.’

ચૅરિટી ટુ શાઇન એ નૅશનલ ક્રિકેટ ચૅરિટી છે જે દર વર્ષે ઇંગ્લૅન્ડ અને વેલ્સની પ્રાઇમરી સ્કૂલમાં ક્રિકેટ કોચિંગ આપવાનું કામ કરે છે.

ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ રમાડવામાં આવે તો પણ કૉમ્પિટિશન ઓછી નહીં થાય: બેન સ્ટોક્સ

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સનું કહેવું છે કે ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ રમાડવામાં આવે તો પણ સ્પર્ધાત્મકતા ઓછી નથી થવાની. એક રેડિયો-મુલાકાતમાં સ્ટોક્સે કહ્યું કે ‘મને નથી લાગતું કે ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ રમવામાં આવે તો ટીમ વચ્ચેની સ્પર્ધાત્મકતા ઓછી થાય. અમે અમારા દેશનું આ સ્પોર્ટ્સમાં પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમારી છાતી પર ત્રણ સિંહ છે અને અમે ગેમ જીતવા માટે રમીએ છીએ. માટે અમે ખાલી સ્ટેડિયમમાં રમીએ કે દર્શકોની હાજરીમાં રમીએ, ગેમની કૉમ્પિટિશન એનાથી ઓછી નથી થતી. ક્રિકેટને ફરીથી ટીવી પર લાવવા અને અમારા ચાહકો માટે અમે કંઈ પણ કરીશું. એ માટે અમારે ખાલી સ્ટેડિયમમાં રમવું પડે તો પણ રમીશું. હા, લોકોને ઉત્સાહ ગેમમાં મળે છે એનો આનંદ અનેરો જ હોય છે.’

ben stokes coronavirus cricket news sports news