સિબ્લી અને સ્ટોક્સની સેન્ચુરીએ વિન્ડીઝની હાલત બગાડી

18 July, 2020 04:22 PM IST  |  Manchester | Mumbai correspondent

સિબ્લી અને સ્ટોક્સની સેન્ચુરીએ વિન્ડીઝની હાલત બગાડી

સિબ્લી અને સ્ટોક્સ

ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ મૅચનો પહેલો દિવસ વેસ્ટ ઇન્ડીઝના નામે રહ્યો હતો, પરંતુ બીજા દિવસે ડોમ સિબ્લી અને બેન સ્ટોક્સે સામેની ટીમની હાલત બગાડી નાખી હતી. ચોથી વિકેટ માટે બન્ને પ્લેયર વચ્ચે ૨૬૦ રનની ભાગીદારી થઈ હતી. પિચ પર જામી ગયેલા આ પ્લેયરોની જોડીને તોડવાનું શ્રેય રોસ્ટન ચેઝના ફાળે ગયું હતું. તેણે સિબ્લીને કેમાર રોચના હાથે કૅચઆઉટ કરાવડાવ્યો હતો, જ્યારે તે આઉટ થયા બાદ આવેલા ઓલી પોપને માત્ર ૭ રનમાં એલબીડબ્લ્યુ કર્યો હતો. ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે ગૅબ્રિયલની ઓવરમાં બે રન લઈને પોતાના ૧૫૦ રન પણ પૂરા કર્યા હતા. સ્ટોક્સે ૨૫૫ બૉલમાં કરીઅરની ૧૦મી સદી ફટકારી છે. સિબ્લીએ પોતાના ટેસ્ટ કરીઅરની બીજી સદી ફટકારી હતી જે માટે તે ૩૧૨ બૉલમાં રમ્યો હતો. આ છેલ્લાં ૨૦ વર્ષમાં ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ધીમી સદી છે. પોતાની ટીમ માટે શાનદાર પર્ફોર્મન્સ કરનાર બેન સ્ટોક્સ પાંચમા અથવા એથી નીચેના ક્રમાંકે આવીને ૧૦થી વધારે વાર સેન્ચુરી ફટકારનારો ઇંગ્લૅન્ડનો ચોથો બૅટ્સમૅન બન્યો છે. ૧૩૫.૩ ઓવરમાં ઇંગ્લૅન્ડે પાંચ વિકેટના નુકસાને ૩૭૦ રન કર્યા છે. બેન સ્ટોક્સ ૧૬૮ રન કરી હજી પણ જોસ બટલર સાથે મેદાન પર ટકી રહ્યો છે.

west indies england cricket news sports news ben stokes