હાર્દિકનો રેકૉર્ડ સાથે કૅપ્ટન્સીનો આરંભ

28 June, 2022 05:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતનો પ્રથમ ટી૨૦ બોલર-કૅપ્ટન : સૌથી ટૂંકા ફૉર્મેટમાં વિકેટ લેનારો પણ પહેલો ભારતીય : આજે પણ વરસાદની આગાહી

ફાઇલ તસવીર

ભારતે આયરલૅન્ડના ડબ્લિનમાં રવિવારે યજમાન ટીમ સામે પ્રથમ ટી૨૦ જીતી લીધી ત્યાર પછી આજે શ્રેણીની છેલ્લી મૅચ જીતીને હાર્દિક પંડ્યા ભારત વતી અનોખો રેકૉર્ડ નોંધાવવા કોઈ કસર નહીં છોડે. આઇપીએલની ગુજરાત ટાઇટન્સનો આ ચૅમ્પિયન રવિવારે ટી૨૦માં ભારત વતી સુકાન સંભાળનારો (અગાઉના કૅપ્ટન વીરુ, ધોની, રૈના, રહાણે, કોહલી, રોહિત, ધવન, પંત) પ્રથમ બોલર-કૅપ્ટન તો બન્યો જ હતો, તેણે એક વિકેટ લઈને ભારત વતી ટી૨૦માં કૅપ્ટન્સી સંભાળીને વિકેટ લેવાનો રેકૉર્ડ પણ રચ્યો હતો. હવે આજે ભારત ૨-૦થી ક્લીન સ્વીપ કરશે તો હાર્દિક ટી૨૦માં ભારતનો પ્રથમ શ્રેણી-વિજેતા સુકાની કહેવાશે.
જોકે આજે વરસાદની અને ખરાબ વાતાવરણની વધુ સંભાવના છે.
રવિવારે વારંવાર મેઘરાજાએ વિઘ્નો ઊભાં કર્યા બાદ ૧૨-૧૨ ઓવરની નિયત થયેલી મૅચમાં આયરલૅન્ડે હૅરી ટૅક્ટર (અણનમ ૬૪, ૩૩ બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ના યોગદાનની મદદથી ૪ વિકેટે ૧૦૮ રન બનાવ્યા હતા. ભારત વતી ખુદ હાર્દિક ઉપરાંત ભુવનેશ્વર, અવેશ અને ચહલને એક-એક વિકેટ મળી હતી. નવોદિત ઉમરાન મલિક અને અક્ષર પટેલ વિકેટ વિનાના રહ્યા હતા.
ભારતે ઓપનર દીપક હૂડા (અણનમ ૪૭, ૨૯ બૉલ, બે સિક્સર, છ ફોર), ઈશાન કિશન (૨૬ રન, ૧૧ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) અને કૅપ્ટન હાર્દિક (૨૪ રન, ૧૨ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ની ઇનિંગ્સની મદદથી ૯.૨ ઓવરમાં ત્રણ વિકેટે ૧૧૧ રન બનાવીને સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી. દિનેશ કાર્તિક પાંચ રને અણનમ રહ્યો હતો. આયરિશ બોલર ક્રેગ યંગે બે વિકેટ લીધી હતી. ૩ ઓવરમાં ૧૧ રનના ખર્ચે એક વિકેટ લેનાર ચહલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
ભુવીનો વિક્રમ, ઉમરાનને નિરાશા
ભુવનેશ્વર કુમાર રવિવારે ટી૨૦ મૅચોના પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. તેણે ૬૦ મૅચમાં પાવરપ્લેની ઓવર્સમાં કુલ ૩૪ વિકેટ લીધી છે. તેણે ટિમ સાઉધી (૬૮ મૅચમાં ૩૩ વિકેટ) અને સૅમ્યુઅલ બદરી (૫૦ મૅચમાં ૩૩ વિકેટ)ને પાર કર્યા છે.
ભારતનો ફાસ્ટેસ્ટ બોલર ઉમરાન મલિક (૧-૦-૧૪-૦) રવિવારે પહેલી જ ઇન્ટરનેશનલ મૅચમાં વિકેટ વિનાનો રહ્યો હતો. તેની ઓવરમાં એક્સ્ટ્રા સહિત કુલ ૧૮ રન બન્યા હતા.

લગ્ન પછીની પહેલી મૅચમાં કૅપ્ટનનો ઝીરો

આયરલૅન્ડના કૅપ્ટન ઍન્ડી બલબર્નીએ ૧૭ જૂને ગર્લફ્રેન્ડ કેટ સાથે લગ્ન કર્યાં હતાં અને રવિવારે મૅરેજ પછીની પહેલી જ મૅચમાં ભુવીના બૉલમાં ઝીરો પર આઉટ થયો હતો.

sports news cricket news hardik pandya