શરૂઆતમાં જ સારા પ્લેયર્સ ગુમાવ્યા એટલે ટીમ બનાવવામાં તકલીફ પડી : મિતાલી રાજ

22 March, 2023 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાત જાયન્ટ્સની મેન્ટર ઉપરાંત હેડ-કોચ રૅચલ હેઇન્સનો પણ આવો જ મત

ગુજરાત જાયન્ટ્સની ટીમ

સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં ૮માંથી ૬ લીગ મૅચ હારી જવા બદલ પૉઇન્ટ્સ-ટેબલમાં છેલ્લા નંબરે રહેનાર ગુજરાત જાયન્ટ્સની ટીમ-મેન્ટર અને હેડ-કોચ રૅચલ હેઇન્સનું કહેવું છે કે ૪ માર્ચે ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારે કેટલાક મહત્ત્વના ખેલાડીઓ ટીમે ગુમાવવા પડ્યા એને કારણે પછીથી ટીમ બનાવવામાં તકલીફ પડી હતી.

ઑસ્ટ્રેલિયન ઓપનર બેથ મૂનીને ગુજરાત જાયન્ટ્સની કૅપ્ટન નીમવામાં આવી હતી, પરંતુ સ્પર્ધાના પહેલા જ દિવસે આ ઓપનરને પગમાં ઈજા થતાં તે પછીની એક પણ મૅચ નહોતી રમી શકી અને તેની ગેરહાજરીથી ટીમને મોટો ફટકો પડ્યો હતો. સ્નેહ રાણાને પછીની મૅચોમાં કૅપ્ટન્સી સોંપાઈ હતી.

અદાણી ગ્રુપની માલિકીના આ ફ્રૅન્ચાઇઝીએ બહાર પાડેલી સત્તાવાર યાદીમાં મિતાલી રાજે જણાવ્યું હતું, ‘સાચું કહું તો અમારી ટીમ ઘણી સારી હતી અને દરેક પ્લેયરે જીતવા માટે બેસ્ટ પર્ફોર્મ કર્યું, પરંતુ મૅચનાં પરિણામ અમારી તરફેણમાં ન આવ્યાં અને સીઝનમાં અમે સફળ ન થઈ શક્યાં. ટુર્નામેન્ટની શરૂઆતમાં જ અમે કેટલાક મુખ્ય પ્લેયર્સ ગુમાવ્યા જેને લીધે દરેક મૅચ માટે ટીમ બનાવવામાં તકલીફ પડી હતી.’ 

રૅચલ હેઇન્સે કહ્યું કે ‘મને તો આ સુંદર ટીમના હેડ-કોચ તરીકે બહુ સારો અનુભવ મળ્યો. ગુજરાતની ટીમે ખૂબ રોચક અને મનોરંજક પર્ફોર્મન્સ આપ્યો. એકંદરે આ ટુર્નામેન્ટમાંથી અમે ઘણી સકારાત્મક બાબતો પોતાની સાથે લઈ જઈ રહ્યા છીએ. અમે એવા પાઠ શીખ્યા છીએ જે જીવનભર કામ લાગશે. કેટલાક મુખ્ય ખેલાડીઓ વહેલા સ્પર્ધાની બહાર થઈ જતાં ટીમને ઝટકો લાગ્યો, પણ દરેક પ્લેયરને પોતાની ક્ષમતા બતાવવાનો મોકો મળ્યો.’

sports news sports cricket news mithali raj womens premier league