01 February, 2025 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન તેંડુલકર
આજે ભારતીય ક્રિકેટ બોર્ડ પોતાના વાર્ષિક અવૉર્ડ્સ સમારોહમાં ભારતના સ્ટાર ક્રિકેટર્સને સન્માનિત કરશે. સચિન તેન્ડુલકરને સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન માટે મેન્સ ક્રિકેટર્સમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને વિમેન્સ ક્રિકેટર્સમાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને પોલી ઉમરીગર અવૉર્ડ આપવામાં આવશે. ભારતના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને તેની પ્રતિષ્ઠિત કરીઅર માટે સ્પેશ્યલ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. બેસ્ટ ઇન્ટરનૅશનલ ડેબ્યુનો અવૉર્ડ મુંબઈના સરફરાઝ ખાન અને કેરલાની આશા શોભનાને મળશે. આ સિવાય અલગ-અલગ ફૉર્મેટ અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર યંગ પ્લેયર્સને પણ સન્માનિત કરવામાં આવશે. આજે સાંજે સાત વાગ્યે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મુંબઈમાં આયોજિત આ અવૉર્ડ-સેરેમની જોઈ શકાશે.