07 March, 2025 08:31 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
અન્ય દેશના ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિઓ સાથે રાજીવ શુક્લા.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લા પાકિસ્તાનના લાહોરમાં રમાયેલી બીજી સેમી-ફાઇનલમાં મહેમાન તરીકે ત્યાં ગયા હતા ત્યારે પાકિસ્તાની મીડિયા દ્વારા તેમને ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ ક્યારે શરૂ થશે એ વિશેનો સવાલ પૂછવામાં આવ્યો હતો. આતંકવાદી હુમલાઓને કારણે ૨૦૧૨થી બન્ને ટીમ વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી, તેઓ મલ્ટિ-નૅશનલ ટુર્નામેન્ટમાં જ એકબીજા સામે ક્રિકેટ રમે છે.
પાકિસ્તાની મીડિયાને આ સવાલનો સ્પષ્ટ જવાબ આપતાં રાજીવ શુક્લા કહે છે, ‘જ્યાં સુધી બન્ને દેશો વચ્ચે ક્રિકેટનો સવાલ છે, પરિસ્થિતિ એકદમ સ્પષ્ટ છે કે અંતિમ નિર્ણય ભારત સરકાર લેશે. અમારી સરકાર જે કહેશે એ અમે કરીશું. જો આપણે ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય સિરીઝ વિશે વાત કરીએ તો કયો દેશ એનું આયોજન નહીં કરવા માગશે, પરંતુ BCCI એને તટસ્થ સ્થળે યોજવા માટે સંમત નથી, કારણ કે BCCIની નીતિ એવી રહી છે કે દ્વિપક્ષીય સિરીઝ તટસ્થ સ્થળોએ ન યોજવી જોઈએ અને પાકિસ્તાન પણ એવું જ ઇચ્છશે. અમે સરકાર સમક્ષ અમારા વિચારો રજૂ કરીએ છીએ અને અંતે એ નિર્ણય લે છે, કારણ કે સરકાર ઘણાં પાસાંઓ પર વિચાર કર્યા પછી જ કોઈ પણ પગલું ભરે છે. આ તેમનો આંતરિક મામલો છે.’