શર્મિલા ટાગોરને જવાબ આપવાનું ટાળતા ક્રિકેટ બોર્ડનો મિડિયાના પ્રકોપથી તાબડતોબ ખુલાસો

07 November, 2012 06:30 AM IST  | 

શર્મિલા ટાગોરને જવાબ આપવાનું ટાળતા ક્રિકેટ બોર્ડનો મિડિયાના પ્રકોપથી તાબડતોબ ખુલાસો



નવી દિલ્હી : ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટસિરીઝને સદ્ગત મન્સૂર અલી ખાન પટૌડીનું નામ આપવાના મુદ્દા પર પ્રત્યાઘાત આપવાનું ક્રિકેટ બોર્ડ એક વર્ષથી ટાળી રહ્યું હતું જે બદલ પટૌડીનાં પત્ની અને ભૂતપૂર્વ અભિનેત્રી શર્મિલા ટાગોર બોર્ડ પર નારાજ હતાં અને આ નારાજગી તેમણે ગઈ કાલે મિડિયા સાથેની વાતચીતમાં બોર્ડપ્રમુખ એન. શ્રીનિવાસનને બીજી નવેમ્બરે લખેલા પત્રને ટાંકતાં વ્યક્ત કરી હતી. તેમની નારાજગીનો મુદ્દો અને તેમણે કરેલી ઈ-મેઇલની વાત ખૂબ ચગતાં ક્રિકેટ બોર્ડે ગણતરીની મિનિટોમાં ખુલાસો કરવો પડ્યો હતો.

બોર્ડે સ્પષ્ટતા કરતા અને શર્મિલા ટાગોરની વિનંતી ઠુકરાવતાં કહ્યું હતું કે ‘ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટસિરીઝને ૧૯૫૧થી બોર્ડના પ્રથમ સેક્રેટરી ઍન્થની ડિમેલોનું નામ આપવામાં આવ્યું છે. ડિમેલોએ ઍડમિનિસ્ટ્રેશનની બાબતમાં ભારતીય ક્રિકેટને આપેલા યોગદાન બદલ તેમનું નામ ટ્રોફીને આપવામાં આવ્યું હતું અને ટ્રોફીના નામમાં હવે કોઈ ફેરફાર કરવો શક્ય નથી.’

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન પટૌડીનું ગયા વર્ષે બાવીસમી સપ્ટેમ્બરે અવસાન થયું હતું. ઇંગ્લૅન્ડની મૅરિલબૉન ક્રિકેટ ક્લબે ૨૦૦૭માં પટૌડી હયાત હતા ત્યારે જ ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટસિરીઝને પટૌડી ટ્રોફી નામ આપ્યું હતું, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ ભારતમાં બન્ને દેશો વચ્ચે રમાતી ટેસ્ટસિરીઝને સત્તાવાર રીતે પટૌડી ટ્રોફી નામ આપવાનું ટાળ્યું હતું. જોકે બોર્ડના સેક્રેટરી સંજય જગદાલેએ ગઈ કાલે કહ્યું હતું કે ૨૦૦૭માં જ ભારતીય બોર્ડે ઇંગ્લૅન્ડને સ્પષ્ટતા કરી હતી કે અમે આ ટ્રોફીને ઍન્થની ડિમેલોનું નામ આપ્યું છે અને એમાં ફેરફાર કરવાનો અમારો ઇરાદો નથી.

શુક્રવારે શ્રીનિવાસનને કરેલી ઈ-મેઇલમાં શર્મિલા ટાગોરે ભારત-ઇંગ્લૅન્ડ સિરીઝને સત્તાવાર રીતે પટૌડી ટ્રોફી નામ આપવાનું ટાળવામાં આવી રહ્યું છે એ ઉપરાંત પટૌડીની સ્મૃતિમાં પટૌડી મેમોરિયલ લેક્ચર યોજવામાં પણ થઈ રહેલા વિલંબ વિશે નારાજગી વ્યક્ત કરી હતી. શર્મિલા ટાગોરે પટૌડીને લગતા કેટલાક કાનૂની મુદ્દે ઉકેલ પણ હજી સુધી નથી લાવવામાં આવ્યા એનો પણ ઈ-મેઇલમાં ઉલ્લેખ કર્યો હતો.

શર્મિલાએ બોર્ડની સ્પષ્ટતા પહેલાં મિડિયાને શું કહ્યું?

ગઈ કાલે સાંજે ક્રિકેટ બોર્ડે ખુલાસો જાહેર કર્યો એ પહેલાં શર્મિલા ટાગોરે એક ન્યુઝ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં બોર્ડ સાથેના વિવાદ વિશે ઘણી વાતચીત કરી હતી:

ક્રિકેટ બોર્ડના ચીફ ઍડમિનિસ્ટ્રેટિવ ઑફિસર રત્નાકર શેટ્ટીએ થોડા દિવસ પહેલાં મને એક ઈ-મેઇલમાં જણાવ્યું હતું કે મારા સદ્ગત પતિની સ્મૃતિમાં પટૌડી મેમોરિયલ લેક્ચર રાખવાનો બોર્ડનો વિચાર છે. શેટ્ટીએ મને આ જાણ કરી એટલે મેં શ્રીનિવાસનને ઈ-મેઇલમાં પૂછ્યું હતું કે આ લેક્ચરમાં અમારા પરિવારની કોઈ ભૂમિકા રહેશે કે નહીં અને અમે વક્તા તરીકે કોઈનું નામ સૂચવી શકીએ કે નહીં? જોકે શ્રીનિવાસને મને જવાબમાં લખ્યું હતું કે આ લેક્ચરમાં પટૌડી ફૅમિલીનો તો કોઈ રોલ નહીં હોય, પરંતુ આ લેક્ચર દર વર્ષે બોર્ડ દ્વારા પ્લેયરોનું બહુમાન કરવા માટેનો જે પ્રસંગ રાખવામાં આવતો હોય છે ત્યારે યોજવામાં આવશે.

શ્રીનિવાસન સાથેની આ ઈ-મેઇલની આપ-લેને એક વર્ષ થઈ ગયું પણ હજી સુધી કાંઈ નથી વળ્યું. બધા મુદ્દા ત્યાંના ત્યાં પડ્યા રહ્યાં છે. કોઈ પ્રત્યાઘાત નથી અને કોઈએ મને ફોન પણ નથી કર્યો. મેં તેમને મારો ફોન નંબર આપ્યો હતો. તેઓ કદાચ કામમાં બિઝી હશે, પરંતુ મને ફોન કરવાનો કે ઈ-મેઇલથી જવાબ આપવાનો પણ કોઈની પાસે ટાઇમ નથી.

મેં બોર્ડને મારા મિત્રો મારફત ફરી એક વાર પટૌડી ટ્રોફી નામ આપવા સહિતના મુદ્દે વિનંતી મોકલીને એના તરફથી જવાબની અપેક્ષા રાખી હતી, પરંતુ એમાં પણ નિષ્ફળતા મળી છે. બોર્ડના મોવડીઓના મનમાં આ મુદ્દે શું છે એ જ ખબર નથી પડતી. તેમને ના કહેવી હોય તો ના કહી દે, હું અપેક્ષા રાખવાનું તો છોડી દઉં અને વધુ ફોન કે ઈ-મેઇલ કરવાનું તો માંડી વાળું.

સૈફની પણ બોર્ડને વિનંતી

આઇપીએલના ચૅરમૅન અને ક્રિકેટ બોર્ડના વરિષ્ઠ અધિકારી રાજીવ શુક્લાએ ગઈ કાલે પ્રત્યાઘાતમાં કહ્યું હતું કે ‘શર્મિલા ટાગોરે સદ્ગત પતિ પટૌડીની સ્મૃતિમાં તેમનું નામ ભારત-ઇંગ્લૅન્ડ ટ્રોફીને આપવાની વિનંતી ક્રિકેટ બોર્ડના ચૅરમૅન એન. શ્રીનિવાસનને ઈ-મેઇલમાં કરી છે. તેમના પુત્ર સૈફ અલી ખાને પણ એ બાબતમાં મારી સાથે બે વખત કરેલી ચર્ચામાં આ રિક્વેસ્ટ કરી હતી. જોકે આ મુદ્દે નિર્ણય લેવાનો અધિકાર શ્રીનિવાસન અને બોર્ડની વર્કિંગ કમિટી પાસે છે. તેમણે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં ઘણી બાબતોને ધ્યાનમાં લેવી પડે.’

ઍન્થની ડિમેલો ક્રિકેટ રમ્યા હતા

ક્રિકેટ બોર્ડે ભારત-ઇંગ્લૅન્ડ સિરીઝને જેમનું નામ આપ્યું છે એ ઍન્થની ડિમેલો બોર્ડના પ્રથમ સેક્રેટરી હતા. તેઓ ૧૯૩૦થી ૧૯૪૬ દરમ્યાન દિલ્હી વતી અગિયાર ફસ્ર્ટ-ક્લાસ મૅચ પણ રમ્યા હતા જેમાં તેમણે ૮૨ રન બનાવ્યા હતા અને ૧૭ વિકેટ લીધી હતી. ૧૯૬૧માં તેમનું અવસાન થયું હતું.