26 March, 2026 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં કૅપ્ટનોની મીટિંગ દરમ્યાન ફુરસદના સમયમાં મુંબઈનો કૅપ્ટન હાર્દિક પંડ્યા અને લખનઉનો કૅપ્ટન રિષભ પંત મજાકમસ્તી કરતા જોવા મળ્યા હતા. રિષભ પંત, રિયાન પરાગ, અજિંક્ય રહાણે, ઋતુરાજ ગાયકવાડ તેમ જ શ્રેયસ ઐયર હળવા મૂડમાં.
શનિવારથી શરૂ થઈ રહેલી IPLની ૧૯મી સીઝન પહેલાં ગઈ કાલે મુંબઈમાં બધી જ ટીમોના કૅપ્ટનોની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં મોટા ભાગના કૅપ્ટનોએ ઇમ્પૅક્ટ-પ્લેયરનો નિયમ તેમને પસંદ ન હોવાનું જણાવ્યું હતું. આ વિશે વિસ્તારથી બધા જ કૅપ્ટનોએ મીટિંગમાં ચર્ચા કરી હતી. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે ૨૦૨૭ સુધી ઇમ્પૅક્ટ-પ્લેયરનો નિયમ લાગુ રહેવાની જાહેરાત પહેલેથી કરી દીધી હોવાથી એ વિશે ત્યાર બાદ સમીક્ષા નહીં કરવામાં આવશે એવું અધિકારીઓએ મીટિંગમાં જણાવ્યું હતું.
બે દિવસ પહેલાં જ દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલે સ્પષ્ટ શબ્દોમાં ઇમ્પૅક્ટ–પ્લેયર પસંદ ન હોવાનું જણાવ્યું હતું. પોતે એક ઑલરાઉન્ડર હોવાથી તેને લાગે છે કે આ નિયમને લીધે ઑલરાઉન્ડરોનું યોગદાન મર્યાદિત થઈ જાય છે અને ટીમ મૅનેજમેન્ટ કોઈ ચોક્કસ બૅટર અને બોલરને જ પસંદ કરે છે. એ પહેલાં ૨૦૨૪માં રોહિત શર્માએ પણ ઇમ્પૅક્ટ–પ્લેયરનો નિયમ પસંદ ન હોવાનું જણાવ્યું હતું. હાર્દિક પંડ્યા અને ન્યુ ઝીલૅન્ડના ગ્લૅન ફિલિપ્સે પણ આ નિયમને લીધે ઑલરાઉન્ડરોના ભવિષ્યને અસર થઈ શકે છે એવો મત વ્યક્ત કર્યો હતો.
બીજી ઇનિંગ્સમાં જ બૉલ બદલાશે
ક્રિકેટ બોર્ડે ભેજના પ્રભાવને ટાળવા દરેક મૅચમાં બીજી ઇનિંગ્સમાં દસમી ઓવર પછી એક વાર બૉલ બદલવાની છૂટ આપી હતી, કેમ કે ભેજની અસર મોટા ભાગે બીજી ઇનિંગ્સ દરમ્યાન થતી હોય છે. ગઈ કાલની મીટિંગમાં એક કૅપ્ટને પહેલી ઇનિંગ્સમાં પણ દસમી ઓવર પછી બૉલ બદલવાની માગણી કરી હતી, પણ એને અન્ય કૅપ્ટનો તરફથી સમર્થન ન મળતાં હાલનો જ નિયમ યથાવત્ રહેશે.
નવી ગાઇડલાઇન્સ વિશે મૂંઝવણ
તાજેતરમાં ક્રિકેટ બોર્ડે જાહેર કરેલી અમુક ગાઇડલાઇન્સ વિશે મોટા ભાગના કૅપ્ટનો મૂંઝવણમાં લાગ્યા હતા. આથી તેમણે આ વિશે વધુ સ્પષ્ટતાઓ કરવાની માગણી કરી હતી.