ભારતની ટેસ્ટ, વન ડે અને T20 માટે અલગ કેપ્ટન?

11 October, 2012 03:36 AM IST  | 

ભારતની ટેસ્ટ, વન ડે અને T20 માટે અલગ કેપ્ટન?



૨૦૧૧માં ભારત વન-ડેનું ચૅમ્પિયન થયું ત્યાર પછી ટીમ ઇન્ડિયાનો પફોર્ર્મન્સ સતત કથળતો રહ્યો છે અને ટીમમાં ઝઘડા પણ થઈ રહ્યા છે એ જોતાં ક્રિકેટ બોર્ડ થોડા સમયમાં મહેન્દ્ર સિંહ ધોનીની સત્તા કાપી નાખશે અને તેની પાસે માત્ર વન-ડે ટીમનું સુકાન રહેવા દેશે એવી ભારતીય ક્રિકેટમાં અફવા ફેલાઈ છે. કહેવાય છે કે ટેસ્ટની કૅપ્ટન્સી ગૌતમ ગંભીર અથવા વીરેન્દર સેહવાગને અને T20ના નેતૃત્વની જવાબદારી સુરેશ રૈના અથવા વિરાટ કોહલીને સોંપવામાં આવશે.

ધોની-વીરુ વચ્ચે ઘણા મહિનાઓથી મતભેદો છે. બન્ને વચ્ચે ક્યારેય ગાઢ મિત્રતા હોવાનું નથી સાંભળવા મળ્યું. કહેવાય છે કે બન્ને સિનિયર પ્લેયરો એકબીજા સામે જોતાં પણ નથી. કેટલાક લોકો આ તિરાડ માટે બન્નેના અહમ્ને કારણરૂપ ગણાવે છે તો અમુક લોકોના મતે તેમની વચ્ચેના મતભેદો ટીમ માટે સૌથી મોટું નુકસાન છે. સેહવાગે ટેસ્ટસદી છેલ્લે ૨૦૧૦ની સાલમાં ફટકારી હતી. ધોની સામેના ગજગ્રાહમાં વીરુના સાથી મનાતા ગૌતમ ગંભીરની છેલ્લી ટેસ્ટસેન્ચુરી ૨૦૧૧માં હતી અને છેલ્લા ૧૨ મહિના ધોનીની કરીઅરમાં સૌથી ખરાબ વર્ષ તરીકે ઓળખાય છે.

૧૯૮૩ના વલ્ર્ડ કપના સુપરહીરો મોહિન્દર અમરનાથે ગયા વર્ષે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટસિરીઝમાં ભારતની ૦-૪થી હાર થઈ એના પગલે ટેસ્ટના સુકાનીપદેથી ધોનીની હકાલપટ્ટી કરવાની જે માગણી કરી હતી એ મોહિન્દરને ભારે પડી છે અને તેમણે સિલેક્શન કમિટીમાંથી સ્થાન ગુમાવવું પડ્યું છે. ભારતીય ક્રિકેટમાં એવી ચર્ચા છે કે ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમના માલિક એન. શ્રીનિવાસનના લાડલા મનાતા ધોનીની ઇચ્છા વીવીએસ લક્ષ્મણને આવતા મહિનાની ઇંગ્લૅન્ડ સામેની અને જાન્યુઆરીની ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટસિરીઝો પહેલાં જ ટીમમાંથી બહાર કરી નાખવામાં આવે એવી હતી. કહેવાય છે કે ધોનીના આ અભિગમથી લક્ષ્મણ નારાજ હતો એટલે તેણે તાજેતરની ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટસિરીઝ પહેલાં જ ટીમને ગુડ બાય કરી દીધી હતી.

એટલું જ નહીં, લક્ષ્મણે નિવૃત્તિ લીધા પછી પોતાના ઘરે રાખેલી પાર્ટીમાં એકમાત્ર ધોનીને નહોતો બોલાવ્યો. આ બધા બનાવો જોતાં ડ્રેસિંગ-રૂમમાં ધોનીની ઘટેલી લોકપ્રિયતા ટીમ માટે નુકસાનકારક હોવાથી બોર્ડ તેને માત્ર વન-ડેનો કૅપ્ટન બનાવી રાખીને બીજા બે ફૉર્મેટની ટીમનું સુકાન યુવાન પ્લેયરોને સોંપવા વિચારતું હોવાની ચર્ચા છે.