અશ્વિનનો વાર્ષિક પગાર પચાસ લાખમાંથી એક કરોડ રૂપિયા

27 October, 2012 07:07 AM IST  | 

અશ્વિનનો વાર્ષિક પગાર પચાસ લાખમાંથી એક કરોડ રૂપિયા



ભારતના મુખ્ય સ્પિનર બની ગયેલા ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને ક્રિકેટ બોર્ડે વાર્ષિક કૉન્ટ્રૅક્ટમાં પ્રમોશન આપ્યું છે. તેને વર્ષે પચાસ લાખ રૂપિયાનો પગાર ધરાવતા ગ્રુપ ‘બી’માંથી એક કરોડ રૂપિયાના પગારવાળા ગ્રુપ ‘એ’માં સામેલ કરવામાં આવ્યો છે. આઇપીએલમાં અશ્વિનને ચેન્નઈ સુપર કિંગ્સ પાસેથી વર્ષે ૩.૮૪ કરોડ રૂપિયા મળે છે.

હરભજન અને ઇશાન્ત શર્માને વીતેલા વર્ષના પહેલા છ મહિનામાં ખરાબ પફોર્ર્મ કરવા બદલ ગ્રુપ ‘એ’માંથી ગ્રુપ ‘બી’માં મૂકવામાં આવ્યા છે. આ ગ્રુપના પ્લેયરોની સંખ્યા ૧૨થી ઘટાડીને ૯ કરવામાં આવી છે.

રવીન્દ્ર જાડેજાને આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ પાસેથી વર્ષે ૧૦ કરોડ રૂપિયા મળે છે, પરંતુ ક્રિકેટ બોર્ડે તેને ગ્રુપ ‘બી’માંથી નીચે ઉતારીને ગ્રુપ ‘સી’માં મૂક્યો હતો. તેની સાથે પ્રવીણ કુમારને પણ ગ્રુપ ‘બી’માંથી ગ્રુપ ‘સી’માં રાખવામાં આવ્યો છે. જોકે ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, ઇરફાન પઠાણ અને ઉમેશ યાદવને ગ્રુપ ‘સી’માંથી ગ્રુપ ‘બી’માં લાવવામાં આવ્યા છે.

શ્રીસાન્ત અને જયદેવ ઉનડકટને કુલ ૩૭ પ્લેયરોના કૉન્ટ્રૅક્ટ-લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, પરંતુ યુસુફ પઠાણ તથા લક્ષ્મીપતિ બાલાજીએ ગ્રુપ ‘સી’માં કમબૅક કર્યું છે. અશોક ડિન્ડાને પહેલી વાર કૉન્ટ્રૅક્ટ મળ્યો છે અને તે ગ્રુપ ‘સી’માં છે.


કયો પ્લેયર વાર્ષિક કૉન્ટ્રૅક્ટના કયા ગ્રેડમાં?


ગ્રેડ ‘એ’ (દરેકનો વાર્ષિક પગાર : એક કરોડ રૂપિયા)

સચિન તેન્ડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, વીરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, ઝહીર ખાન, રવિચન્દ્રન અશ્વિન.

ગ્રેડ ‘બી’ (દરેકનો વાર્ષિક પગાર : પચાસ લાખ રૂપિયા)

હરભજન સિંહ, ઇશાન્ત શર્મા, પ્રજ્ઞાન ઓઝા, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, ઇરફાન પઠાણ, ઉમેશ યાદવ.

ગ્રેડ ‘સી’ (દરેકનો વાર્ષિક પગાર : પચીસ લાખ રૂપિયા)

રવીન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, વિનય કુમાર, મુનાફ પટેલ, અભિમન્યુ મિથુન, મુરલી વિજય, શિખર ધવન, વૃદ્ધિમાન સહા, પાર્થિવ પટેલ, મનોજ તિવારી, સુબ્રમણ્યમ બદરીનાથ, પીયૂષ ચાવલા, દિનેશ કાર્તિક, રાહુલ શર્મા, વરુણ ઍરોન, અભિનવ મુકુંદ, અશોક ડિન્ડા, યુસુફ પઠાણ, પ્રવીણ કુમાર, લક્ષ્મીપતિ બાલાજી.