19 July, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
ભારતના અનુભવી ક્રિકેટર રોહિત શર્માના રિટાયરમેન્ટ વિશે ચાલી રહેલી અટકળોને ભારતીય ક્રિકેટ બોર્ડે ફગાવી દીધી છે. બોર્ડના સચિવ દેવજિત સૈકિયા કહે છે, ‘રોહિત શર્માના ભવિષ્ય વિશે મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે રોહિત રવિવારે લૉર્ડ્સમાં તેની છેલ્લી મૅચ રમશે એવી કોઈ ચર્ચા થઈ નથી. રોહિત ભારતીય વન-ડે ટીમનો નિયમિત સભ્ય છે અને જ્યાં સુધી તે ટીમની યોજનાઓનો ભાગ રહેશે ત્યાં સુધી તે દેશનું પ્રતિનિધિત્વ કરતો રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો લૉર્ડ્સમાં રમાનારી વન-ડે મૅચ તેની છેલ્લી મૅચ નહીં હોય.’
૩૯ વર્ષનો રોહિત શર્મા ભારત માટે વન-ડે મૅચ રમનાર સૌથી મોટી ઉંમરનો પુરુષ-ક્રિકેટર છે. ભારત માટે વન-ડે ફૉર્મેટમાં સૌથી વધુ રન કરનાર બૅટર્સમાં રોહિત શર્મા ૩૩ સદીની મદદથી ૧૧,૭૫૭ રન કરીને સાતમા ક્રમે છે. તેણે વન-ડે ફૉર્મેટનો સૌથી મોટો ૨૬૪ રનનો વ્યક્તિગત સ્કોર કરવાની સાથે ત્રણ ડબલ સદી પણ ફટકારી છે.
રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓનું સન્માન કરવું જોઈએ. વર્લ્ડ કપમાં ૧૪ મહિના બાકી છે ત્યારે તેમને રમાડવા કે નહીં એ નિર્ણય લેવામાં ઘણું મોડું થઈ ગયું છે. બે દાયકાથી ટીમની સેવામાં હાજર લોકોની વિદાય સન્માનજનક હોવી જોઈએ.
-રવિચન્દ્રન અશ્વિન