કુંબલેવિરોધી ખેલાડીઓએ જ થવું જોઈતું હતું ટીમની બહાર : ગાવસકર

22 June, 2017 04:54 AM IST  | 

કુંબલેવિરોધી ખેલાડીઓએ જ થવું જોઈતું હતું ટીમની બહાર : ગાવસકર



અનિલ કુંબલેએ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પહેલાં અચાનક રાજીનામું આપી દઈને તમામને ચોંકાવી દીધા હતા. કૅપ્ટન વિરાટ કોહલી કુંબલેની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત નહોતો. તેનું માનવું હતું કે કુંબલે વધુ સખતાઈપૂર્વક કામ કરતો હતો. જોકે ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે કુંબલેના રાજીનામાની ઘટનાને ભારતીય ક્રિકેટ માટે દુખદ ગણાવતાં કુંબલેએ છેલ્લા એક વર્ષ દરમ્યાન કરેલી કામગીરીને વખાણી હતી. ગાવસકરે કહ્યું હતું કે ‘વિરાટ અને અનિલ વચ્ચેના મતભેદની મને ખબર નથી, પરંતુ ભારતીય ક્રિકેટ માટે એ દુખદ દિવસ હતો. અનિલે જ્યારથી કોચની કામગીરી સંભાળી હતી ત્યારથી ભારત દરેક મૅચ જીત્યું હતું. છેલ્લા એક વર્ષમાં અનિલે કંઈ ખોટું કર્યું હોય એવું મને દેખાતું નથી. મતભેદ હોઈ શકે પણ પરિણામ પણ જોવું જોઈએ.’

 ગાવસકરે એક ટીવી-ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘શું તમને એક એવો કોચ જોઈએ જે તમને કહે કે આજે પ્રૅક્ટિસ ન કરો, કારણ કે તમારી તબિયત સારી નથી. રજા લો અને શૉપિંગ કરો. જો કોઈ પોતાનું કામ સખતાઈપૂર્વક કરે અને એનાં સારાં પરિણામ મળે જેવું કુંબલેએ છેલ્લા એક વર્ષમાં કરી બતાવ્યું હતું. મારું માનવું છે કે કુંબલેવિરોધી ખેલાડીઓએ ટીમની બહાર ચાલ્યા જવું જોઈએ.’

ગાવસકરે કોચ તરીકે કુંબલેના રેકૉર્ડને અસાધારણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘પ્રામાણિકપણે કહું તો કુંબલેએ છેલ્લા એક વર્ષમાં જે સિદ્ધિઓ મેળવી હતી એ કમાલની છે. એથી હું અનિલ કુંબલેને પેપરમાં છપાયેલી ખબરને કારણે સખતાઈપૂર્વક વર્તનાર વ્યક્તિ તરીકે બદનામ કરવા નથી માગતો.’

અનિલ કુંબલેના પ્રકરણની અસર નવા કોચ પર પણ રહેશે. ગાવસકરે કહ્યું હતું કે ‘આ સમગ્ર બનાવથી નવા કોચને પણ એવો સંકેત મળશે કે તેણે પણ ખેલાડીઓ સામે નમીને રહેવું પડશે અન્યથા તેની સાથે પણ એવું જ થશે જેવું અનિલ સાથે થયું. તેણે પોતાનું પદ છોડવું પડ્યું એ બહુ દુખદ ઘટના છે.’

ગાવસકરને લાગ્યું હતું કે સલાહકાર સમિતિની સહમતી મળ્યા બાદ કુંબલે પોતાના પદ પર યથાવત્ રહેશે, પરંતુ એવું ન થયું. ગાવસકરે કહ્યું હતું કે લોકો વચ્ચે મતભેદ થતા રહે છે, પરંતુ એનો આવો ઉકેલ ન હોઈ શકે.

શિસ્તપાલનનો આગ્રહ રાખવો એ શું ખોટી વાત છે? : બિશન સિંહ બેદી

ભારતીય ટીમના કોચપદેથી રાજીનામું આપનાર અનિલ કુંબલેની ભૂતપૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘કુંબલેએ પોતાની કામગીરી સારી રીતે બજાવી છે. તેણે જે પ્રકારનાં પરિણામ આપ્યાં હતાં એને કોઈ પડકારી શકે એમ નથી. કુંબલે આળસુની જેમ બેસી રહેવામાં નહોતો માનતો.’

કુંબલેએ જ્યારે ભારતીય ટીમમાં પદાર્પણ કર્યું હતું ત્યારે બેદી ટીમના મૅનેજર હતા. બેદીએ કુંબલેની શિસ્તની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘શિસ્તપાલનનો આગ્રહ રાખવો એમાં ખોટું શું છે? ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન કુંબલેના વર્તન પરથી સ્પષ્ટ જણાતું હતું કે તે પોતાના કામથી ખુશ નહોતો. સુપરસ્ટાર-કલ્ચર ટીમ માટે સારું નથી.’