પહેલી વખત એક ઇનિંગ્સના માર્જિનથી જીત્યું બાંગલા દેશ

14 February, 2019 12:24 PM IST  | 

પહેલી વખત એક ઇનિંગ્સના માર્જિનથી જીત્યું બાંગલા દેશ

સિરીઝ જીત્યા બાદ બાંગ્લાદેશની ટીમ

ઢાકામાં રમાયેલી બીજી ટેસ્ટમાં મેહદી હસન મિરાજે ટેસ્ટમાં ૧૨ વિકેટ લઈને બંગલા દેશને વેસ્ટ ઇન્ડીઝ સામે ફક્ત ત્રણ દિવસમાં એક દાવ અને ૧૮૪ રનથી ભવ્ય જીત અપાવી હતી. આ જીત બંગલા દેશનાં ૧૮ વર્ષના ટેસ્ટ-ઇતિહાસની સૌથી મોટી જીત બની હતી. મહેદી હસન મિરાજે ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ૭ અને બીજી ઇનિંગ્સમાં ૫ વિકેટ લઈને વેસ્ટ ઇન્ડીઝને ક્રમશ: ૧૧૧ અને ૨૧૩ રનમાં ઑલઆઉટ કર્યું હતું. ત્રીજા દિવસે પ્રવાસી ટીમે ૫ વિકેટે ૭૫ રનથી આગળ રમવાનું શરૂ કરતાં ૮૬ના ટીમ ટોટલે મહેદી હસન મિરાજે આક્રમક બૅટ્સમૅન શિમરન હેટમાયરનો કૅચ પોતાની બોલિંગમાં કરીને વિકેટોનું પતન શરૂ કર્યું હતું. બીજા ૨૫ રનમાં પ્રવાસી ટીમે ૪ વિકેટ ગુમાવતાં આખી ટીમ ૩૬.૪ ઓવરમાં ૧૧૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

મહેદી હસન મિરાજે ૧૬ ઓવરમાં ૫૮ રનમાં ૭ વિકેટ ઝડપી હતી. બંગલા દેશે ટેસ્ટ-ઇતિહાસમાં પહેલી વખત કોઈ ટીમને ફૉલો-ઑન આપ્યું હતું.

ફૉલો-ઑન ઇનિંગ્સમાં પણ વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમેનો યજમાન દેશના સ્પિનરો સામે વધુ ટકી શક્યા નહીં. પહેલી ઇનિંગ્સની જેમ બીજી ઇનિંગ્સમાં પણ યજમાન દેશના કૅપ્ટન શાકિબ-અલ-હસને પ્રવાસી ટીમના કૅપ્ટન ક્રેગ બ્રેથવેટને પહેલી ઓવરમાં આઉટ કયોર્ હતો. ૧૩ ઓવરમાં ૨૯ રનમાં ૪ વિકેટ ગુમાવ્યા બાદ હેટમાયરે આક્રમક વલણ અપનાવતાં ૯૨ બૉલમાં ૧ ફોર અને ૯ સિક્સરની મદદથી ૯૩ રન બનાવીને થોડો પ્રતિરોધ કર્યો હતો. હેટમાયર ૧૬૬ રનના ટીમ ટોટલે આઉટ થતાં પ્રવાસી ટીમ ૫૯.૨ ઓવરમાં ૨૧૩ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

મેહદી હસન મિરાજે ૫૯ રનમાં ૫ અને તૈજુલ ઇસ્લામે ૪૦ રનમાં ૩ વિકેટ લીધી હતી. મેહદી હસન મિરાજે સમગ્ર ટેસ્ટમાં ૧૨ વિકેટ લીધી હતી. બંગલા દેશે પહેલી ઇનિંગ્સમાં ૫૦૮ રન બનાવ્યા હતા. મહેદી હસનને પ્લેયર ઑફ ધ મૅચ અને શાકિબ-અલ-હસનને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ મYયો હતો. આ સિરીઝ પહેલાં બંગલા દેશ ઘરઆંગણે ઝિમ્બાબ્વે સામે પહેલી ટેસ્ટ ૧૫૧ રનથી હાર્યું હતું.

bangladesh dhaka cricket news