અપસેટ : બંગલા દેશે વેસ્ટ ઇન્ડીઝને હરાવી દીધું

01 December, 2012 08:29 AM IST  | 

અપસેટ : બંગલા દેશે વેસ્ટ ઇન્ડીઝને હરાવી દીધું



ટેસ્ટના વિજયની મજા બગાડી : ગઈ કાલે ખુલનામાં વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યા પછી કૅરિબિયન પ્લેયર માર્લન સૅમ્યુલ્સ સાથે બંગલા દેશનો કૅપ્ટન મુશફીકુર રહીમ. 
તે ૧૬ રને નૉટઆઉટ રહ્યો હતો. કૅરિબિયનો ટેસ્ટસિરીઝ ૨-૦થી જીત્યા હતા અને વન-ડે શ્રેણી તેમને ૫-૦થી જીતવી હતી. તસવીર : એએફપી



ખુલના (બંગલા દેશ): બંગલા દેશના ૨૧ વર્ષની ઉંમરના ઑફ સ્પિનર સોહાગ ગાઝીએ ગયા મહિને ટેસ્ટકરીઅરની રોમાંચક શરૂઆત કર્યા પછી ગઈ કાલે વન-ડે કારકિર્દીનો પણ એક્સાઇટિંગ આરંભ કયોર્ હતો. તેના ચાર વિકેટના તરખાટથી વેસ્ટ ઇન્ડીઝના પરાજયનો પાયો નખાયો હતો અને છેવટે કૅરિબિયનો ૭ વિકેટે હારી ગયા હતા.

ગાઝીએ ગયા મહિને ક્રિસ ગેઇલની વિકેટ સાથે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વિકેટ લેવાની શરૂઆત કરી હતી. એમાં ગેઇલ તેનો પ્રથમ શિકાર બન્યો હતો અને ગઈ કાલે ગાઝીએ પોતાની પહેલી વન-ડેમાં એનું પુનરાવર્તન કર્યું હતું. તેણે ગેઇલના રનમશીનને થંભાવી દેવાની સાથે વિકેટોના શ્રીગણેશ કર્યા હતા.

ગાઝીએ ૨૯ રનમાં લીધેલી ચાર અને અબ્દુર રઝાકે ૩૯ રનમાં ઝડપેલી ત્રણ વિકેટોને કારણે વેસ્ટ ઇન્ડીઝ ૧૯૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ગાઝીનો ચાર વિકેટવાળો પફોર્ર્મન્સ વન-ડે કરીઅરની શરૂઆતની મૅચમાં બંગલા દેશીઓમાં વિક્રમ છે.

ગેઇલે ૪૦ બૉલમાં બે સિક્સર અને ચાર ફોરની મદદથી બનાવેલા ૩૫ રન સાથે સારી શરૂઆત કરાવી આપી હતી, પરંતુ ૪૮મા ટોટલ પર લેન્ડલ સિમન્ઝ પછી તેની પણ વિકેટ પડવાની સાથે કૅરિબિયન ટીમનો પરાજય લખાઈ ગયો હતો. એક પણ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો બનાવી શક્યો.

બંગલા દેશે કમબૅકમૅન તમીમ ઇકબાલના બે સિક્સર અને આઠ ફોર સાથે ૫૧ બૉલમાં બનેલા ૫૮ રન તેમ જ નઈમ ઇસ્લામના અણનમ ૫૦ રનની મદદથી ૪૦.૨ ઓવરમાં ત્રણ વિકેટે ૨૦૧ રન બનાવીને પાંચ મૅચની સિરીઝમાં ૧-૦થી શરૂઆત કરી હતી.

સ્ટાર વિના પણ સફળ

બંગલા દેશે મુખ્ય ઑલરાઉન્ડર અને ઈજા પામેલા શાકીબ-અલ-હસનની ગેરહાજરીમાં ગઈ કાલે જીત હાંસલ કરી બતાવી હતી