બંગલા દેશે ઝિમ્બાબ્વેને આપી ૩-૦થી ક્લીન સ્વીપ

17 November, 2014 05:47 AM IST  | 

બંગલા દેશે ઝિમ્બાબ્વેને આપી ૩-૦થી ક્લીન સ્વીપ



બંગલા દેશ માટે ૨૦૧૪નું વર્ષ ઘણી રીતે યાદગાર રહ્યું છે. પ્રથમ વખત એણે કોઈ ટીમને ઘરઆંગણે ક્લીન સ્વીપ આપી હતી. પરિમાણે વર્લ્ડ કપ પહેલાં બંગલા દેશના ખેલાડીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે. બંગલા દેશે ચિત્તાગૉન્ગમાં ચાલી રહેલી સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટના પાંચમા અને છેલ્લા દિવસે ઝિમ્બાબ્વેને ૧૮૬ રને હરાવીને સિરીઝ ૩-૦થી જીતીને તેમને ક્લીન સ્વીપ આપી હતી. ઝિમ્બાબ્વે સામે જીતવા માટે ૪૪૯ રનનો લક્ષ્યાંક હતો, પરંતુ એની ટીમ ટી પહેલાં ૨૬૨ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બંગલા દેશની રનના હિસાબે આ બીજી સૌથી મોટી જીત હતી. ઝિમ્બાબ્વે તરફથી એકમાત્ર રેગિસ ચકાબ્વા રમ્યો હતો અને તે ૮૯ રને નૉટઆઉટ રહ્યો હતો.

બંગલા દેશ પહેલી મૅચ ત્રણ વિકેટે અને બીજી મૅચ ૧૬૨ રનથી જીત્યું હતું. આ જીતને કારણે તે પહેલી વખત કોઈ ટીમને ક્લીન સ્વીપ આપવામાં સફળ થઈ હતી. બંગલા દેશની આ સાતમી અને ઝિમ્બાબ્વે સામે પાંચમી જીત હતી. બંગલા દેશ તરફથી સેકન્ડ ઇનિંગ્સમાં નૉટઆઉટ ૧૩૧ રન બનાવનારા મોમિનુલ હકને મૅન ઑફ ધ મૅચ તથા ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસનને મૅન ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.