09 December, 2024 10:09 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
દુબઈના ક્રિકેટ સ્ટેડિયમમાં ફૅન્સ સાથે જીતની ઉજવણી કરતા બંગલાદેશી પ્લેયર્સ.
UAEના દુબઈમાં આયોજિત વન-ડે મેન્સ અન્ડર-19 એશિયા કપની અગિયારમી સીઝનમાં બંગલાદેશ ચૅમ્પિયન બન્યું છે. ફાઇનલમાં ભારતીય ટીમને ૫૯ રને હરાવીને બંગલાદેશ સતત બીજી વાર આ ટુર્નામેન્ટ જીત્યું છે. ભારતીય બોલર્સ ૪૯.૧ ઓવરમાં બંગલાદેશને ૧૯૮ રન સુધી રોકવામાં સફળ રહ્યા હતા પણ બીજી ઇનિંગ્સમાં ભારતીય બૅટર્સ બંગલાદેશી બોલર્સ સામે પાણીમાં બેસી ગયા અને ટીમ ૩૫.૨ ઓવરમાં ૧૩૯ રન બનાવીને ઑલઆઉટ થઈ હતી.
પાકિસ્તાન અને શ્રીલંકા જેવી અજેય ટીમને સેમી ફાઇનલમાં હરાવીને આ બન્ને ટીમ ફાઇનલમાં પહોંચી હતી. બંગલાદેશની આ ત્રીજી ફાઇનલ મૅચ હતી. સૌથી પહેલાં ૨૦૧૯માં આ ટીમને ભારત સામે ફાઇનલમાં પાંચ રને હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૨૩માં UAEને ૧૯૫ રને હરાવીને પહેલી વાર આ ટીમ ટ્રોફી જીતી હતી, જ્યારે આઠ વારની ચૅમ્પિયન ટીમ નવમી વાર ફાઇનલ મૅચ રમી રહી હતી. આ પહેલાં ભારતીય ટીમ ક્યારેય આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ હારી નહોતી. ૨૦૧૨માં પાકિસ્તાન સામેની ફાઇનલ મૅચ ટાઇ થતાં ટ્રોફી શૅર કરવી પડી હતી.
ભારત માટે ખૂબ જ ખરાબ રહ્યો રવિવારનો દિવસ, એક દિવસમાં ત્રણ રાષ્ટ્રીય ટીમની થઈ હાર
રવિવાર ભારતીય ક્રિકેટ માટે ખરાબ દિવસ રહ્યો હતો, કારણ કે ત્રણેય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્માની આગેવાનીમાં મેન્સ સિનિયર ટીમને ઑસ્ટ્રેલિયા સામે ઍડીલેડ ટેસ્ટમાં ૧૦ વિકેટે, હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં વિમેન્સ સિનિયર ટીમે ઑસ્ટ્રેલિયા સામે બ્રિસબેનમાં વન-ડેમાં ૧૨૨ રને અને દુબઈમાં મોહમ્મદ અમાનના નેતૃત્વમાં અન્ડર-19 જુનિયર મેન્સ ટીમે બંગલાદેશ સામે વન-ડે એશિયા કપની ફાઇનલમાં ૫૯ રને હારનો સામનો કરવો પડ્યો છે.