બૅટરને હાથ પર બૉલ મારવા બદલ બંગલાદેશના બોલરને દંડ

13 April, 2022 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવારે પ્રથમ દાવમાં વેરેને બૅટિંગમાં હતો ત્યારે સાઉથ આફ્રિકાની ૯૫મી ઓવર ખાલેદે કરી હતી.

બૅટરને હાથ પર બૉલ મારવા બદલ બંગલાદેશના બોલરને દંડ

મંગળવારે સાઉથ આફ્રિકાના વિજય સાથે પૂરી થયેલી બીજી ટેસ્ટ દરમ્યાન વિકેટકીપર-બૅટર કાઇલ વેરેને તરફ કારણ વગર બૉલ ફેંકવા બદલ બંગલાદેશના પેસ બોલર ખાલેદ એહમદને ૧૫ ટકા દંડ ફટકારાયો છે.
શનિવારે પ્રથમ દાવમાં વેરેને બૅટિંગમાં હતો ત્યારે સાઉથ આફ્રિકાની ૯૫મી ઓવર ખાલેદે કરી હતી. તેના એક બૉલમાં વેરેનેએ બૉલને ખાલેદ તરફ જ હળવેકથી ફટકાર્યો હતો. જોકે ખાલેદે ફૉલો-થ્રૂમાં બૉલ હાથમાં લઈને વેરેને તરફ ફેંક્યો હતો. બૉલ સીધો વેરેનેના ગ્લવ પર વાગ્યો હતો અને તેના હાથમાંથી બૅટ પડી ગયું હતું. વેરેને ગુસ્સે થઈ ગયો હતો અને તેણે ખાલેદ પર ગુસ્સો ઠાલવ્યો હતો. ખાલેદ અને બીજા બંગલાદેશી પ્લેયરોએ તરત વેરેનેની માફી માગી લીધી હતી અને અમ્પાયરો પણ મામલો શાંત પાડવા વચ્ચે પડ્યા હતા. ખાલેદનો ૨૪ મહિનામાં આ પહેલો અફેન્સ હતો એટલે તેને હળવા દંડ સાથે છોડી મૂકવામાં આવ્યો હતો.
બંગલાદેશ આ ટેસ્ટ ૩૩૨ રનથી અને સિરીઝ ૦-૨થી હારી ગયું છે.

sports news ipl 2022 cricket news